હંગામી વ્યવસ્થાનાં બદલે કાયમી ઉકેલ કાઢવાનો આગ્રહ રાખતી સર્વોચ્ચ અદાલત
નવીદિલ્હી,તા.24: પેપર લીકનાં
મુદ્દે સમગ્ર દેશમાં વિરોધ અને ચર્ચાનો પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે આ મામલે કેન્દ્ર
સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી(એનટીએ)ની કાર્યપ્રણાલી સામે સુપ્રીમ કોર્ટે સખત વલણ
અખત્યાર કર્યુ છે અને અદાલતે સ્પષ્ટ કર્યુ હતું કે, નીટ પરીક્ષામાં પેપર ફૂટવાથી માંડીને
અન્ય અનિયમિતતાઓને રોકવા માટે સરકાર દ્વારા ભરવામાં આવતાં પગલાં ઉપર સુપ્રીમ કોર્ટે
નિરીક્ષણ રાખશે.
કેન્દ્ર સરકાર દ્વારા અદાલતને
જણાવવામાં આવ્યું હતું કે, ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ બનતી રોકવા માટે સરકાર અનેક
આકરા ઉપાયો કરી રહી છે. નીટની પરીક્ષાને સુરક્ષિત યોજવા માટે સરકાર દ્વારા કરવામાં
આવતાં અસ્થાયી ઉપાયો ઉપર ટિપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આવી કામચલાઉ
વ્યવસ્થાઓનાં હિસાબે છેલ્લા ઘણાં વર્ષોમાં સમસ્યાઓ પેદા થઈ છે. આવી હંગામી વ્યવસ્થાનાં
બદલે એક સ્થાયી અને ફુલપ્રૂફ સિસ્ટમ હોવી જોઈએ.
કોર્ટે આગળ કહ્યું હતું કે, સરકાર
પાસેથી અપેક્ષિત છે કે, તે સાઈબર સુરક્ષા અને ડેટા સંરક્ષણ ઉપર નક્કર પગલાં ભરે. એનટીએ
દ્વારા આગામી વર્ષે નીટ-યુજી પરીક્ષા કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ(સીબીટી)નાં રૂપમાં યોજવાનું
આયોજન થઈ રહ્યું છે ત્યારે પણ આ નિર્દેશ મહત્વનો બની જાય છે.