• શનિવાર, 25 જુલાઈ, 2026

સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં મેઘમહેર અમદાવાદ-દક્ષિણ ગુજરાતમાં કહેર વાપી, નવસારી, સુરતમાં જનજીવન પ્રભાવિત, અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ

નદી-નાળા છલકાયા, અનેક માર્ગો બંધ થતા વાહન વ્યવહારને અસર

નવસારીના મેઘર ગામમાંથી 33 લોકોનું એર રેસ્ક્યૂ

રાજકોટ,તા.24 : ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર આગમન કર્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ક્યાંક મહેર તો ક્યાંક કહેર વરસાવ્યો છે. ખાસ કરીને અમરેલી, રાજકોટ, અમદાવાદ, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મહેર વરસાવી છે.

અમરેલી જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળી છે. વડિયામાં 8 ઇંચ, બગસરામાં 6.5 ઇંચ અને લીલીયામાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરવો, શેત્રુંજી અને ધાતરવડી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. સાવરકુંડલા-અમરેલી નેશનલ હાઈવે સહિત કેટલાક માર્ગો પાણી ભરાતા બંધ કરવાની ફરજ પડી હતી. લાઠી તાલુકાના માલવિયા પીપરિયા ગામ નજીક ખેત મજૂરી કરતા પરિવારની ત્રણ વર્ષની નંદની નામની બાળકી અચાનક વધેલા વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. કૃષ્ણગઢ ગામ નજીક વરસાદી પાણી ભરાયેલા વિસ્તારમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. સાવરકુંડલા તાલુકાના જુનાસાવર ગામ નજીક શેત્રુંજી અને શેલ નદીમાં આવેલા પૂરથી સ્ટેટ હાઇવે બંધ થઈ ગયો હતો. પાણીના જોરદાર પ્રવાહમાં એક છકડો રિક્ષા ગરકાવ થઈ જતાં તેમાં સવાર ત્રણ વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. લીલીયામાં નાવલી નદીનું પાણી દુકાનોમાં ઘૂસ્યું હતું અને રેલવે વ્યવહાર પણ થોડા સમય માટે પ્રભાવિત થયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મેઘમહેર જોવા મળી હતી. લખતરમાં 7 ઇંચ અને પાટડીમાં 6 ઇંચ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જોકે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. ઉપરાંત સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી, જામનગર, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં સારો વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેરમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે જામકંડોરણામાં 8 ઇંચ અને વિરપુરમાં 6 ઇંચ વરસાદથી નદી-નાળાઓમાં નવા નીરની આવક થઈ હતી.

અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બોપલમાં આર્મીની બોટ દ્વારા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ હતી, જ્યારે બાવળા નજીકથી 900 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અનેક સોસાયટીઓ, રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. પરિસ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંબલી વિસ્તારની સેન્ટોસા પાર્ક સોસાયટી, ઘુમાની હરિઓમ વિલા અને ઇસ્કોન ગ્રીન સોસાયટી સહિતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ વરસાદી પાણીમાં ઉતરીને નાગરિકોને પડી રહેલી મુશ્કેલીઓનો જાતે તાગ મેળવ્યો તેમજ સ્થાનિક રહેવાસીઓ સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ જાણી હતી.

દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને આસપાસના વિસ્તારોમાં પૂરથી ભારે નુકસાન થયું છે. વાપીના ઔદ્યોગિક વિસ્તારોમાં પાણી ભરાતા અનેક એકમોમાં ઉત્પાદન બંધ થયું છે. નવસારીના મેઘર ગામમાં ફસાયેલા 33 લોકોને એર રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડાયા હતા.

ભારે વરસાદ વચ્ચે તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ખેડૂતો માટે વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે હજુ પણ સાવચેતી જરૂરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક