• શનિવાર, 25 જુલાઈ, 2026

પેપર લીક : NTAમાંથી 47 અધિકારી બરખાસ્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કડક ખાતરીનું આશ્વાસન આપ્યાનાં 24 કલાકમાં પરીક્ષા વ્યવસ્થામાં સર્જીકલ સ્ટ્રાઈક

અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહીની પણ તૈયારી

નવીદિલ્હી,તા.24: પેપર લીક મુદ્દે લાંબા આંદોલન અને ભૂખ હડતાલ પછી આજે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) સાથે વાટાઘાટો કરી અને તેની માગણીઓ સાંભળી અને તેમાંથી શક્ય એટલી કાર્યવાહી કરવાની ખાતરી આપ્યા બાદ સરકારે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (એનટીએ)ની કાર્યપ્રણાલીમાં જબરદસ્ત બદલાવની દિશામાં પગલું ભરતાં મોટી સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. જેમાં 47 અધિકારીઓને બરખાસ્ત કરી નાખવામાં આવ્યા હતાં અને આમાંથી કેટલાક અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી પણ કરવાની તૈયારી કરી લીધી હતી.

નીટ પેપર લીક પછી એનટીએની કાર્યપ્રણાલી સામે સતત સવાલ ઉઠી રહ્યાં હતાં અને પરીક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને પારદર્શક બનાવવાની માગણી પણ દેશભરમાં પ્રચંડ બની હતી. જેને પગલે આખરે સરકારે એનટીએમાં વ્યાપક સુધારાનાં મંડાણ કરવામાં આવ્યા છે. જેમાં આજે સૌપ્રથમ 47 અધિકારીઓ ઉપર તવાઈ આવી હતી. આ પહેલા ગુરુવારે કેન્દ્ર સરકારે  મોટી ફેરબદલ કરતાં 17 આઈએએસ અધિકારીઓને ટ્રાન્સફર કર્યા હતાં. જેમાં ઉચ્ચ શિક્ષા વિભાગમાંથી સચિવને પણ હટાવવામાં આવ્યા હતાં.

સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે હજી વધુ મોટા ફેંસલાઓ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો મેસેજ જારી કરીને પેપર લીક માટે આકરી કાર્યવાહી કરવાની ખાતરી આપ્યાનાં 20 કલાકની અંદર જ એનટીએમાંથી અધિકારીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે.

સૂત્રોનાં હવાલેથી આવતાં અહેવાલો અનુસાર એનટીએમાં સુધારાનો ઉદ્દેશ પારદર્શકતા વધારવા, પેપર લીક જેવી ઘટનાઓને રોકવા અને ઉમેદવાર છાત્રોનો વિશ્વાસ પુન:સ્થાપિત કરવાનો હશે. આમાં પરીક્ષા સંચાલન, પ્રશ્નપત્રોની સુરક્ષા, નિરીક્ષણ વ્યવસ્થા અને જવાબદારી સંબંધિત નવી વ્યવસ્થાઓ કરવામાં આવશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક