• શનિવાર, 25 જુલાઈ, 2026

ભારત પર અમેરિકાનો 10 ટકા ટેરિફ

બળજબરીથી મજૂરી દ્વારા બનાવાયેલાં ઉત્પાદનોને લઈને 60 દેશો સામે કાર્યવાહી

વોશિંગ્ટન, તા.24 : અમેરિકાએ આજે ભારતથી આયાત થતા સામાન પર 10 ટકા  ટેરિફ લાગુ કર્યો છે. આ કાર્યવાહી વ્યાપાર કાયદો-1974ની કલમ 301 હેઠળ ફોર્સ્ડ લેબર (બળજબરીથી કરાવાયેલી મજદૂરી)થી બનેલા સામાન અંગે કરવામાં આવી છે.

આ નિર્ણય એવા દિવસે લાગુ થયો છે જ્યારે ટ્રમ્પ તંત્રનો 15 ટકા અસ્થાયી વૈશ્વિક  ટેરિફ સમાપ્ત થઈ રહ્યો છે. એટલે જૂનો ટેરિફ હટતાંની સાથે જ નવો સ્થાયી ટેરિફ લાગુ થયો છે.

અમેરિકાએ 60 દેશ પર 10 ટકાથી 12.5 ટકાનો વધારાનો ટેરિફ લગાવ્યો છે તેમાં 17 દેશ પર 10 ટકા અને 43 દેશ પર 12.5 ટકા ટેરિફ લગાવ્યો છે.

ભારત, બ્રિટન, કેનેડા, બાંગલાદેશ, ઈન્ડોનેશિયા, મેક્સિકો, પાકિસ્તાન અને શ્રીલંકાને 10 ટકા ટેરિફવાળા સમૂહમાં રાખવામાં આવ્યા છે. અમેરિકા અનુસાર આ દેશોએ બળપૂર્વક મજદૂરીથી બનેલા સામાનના આયાત પર રોક લગાવેલી છે અથવા એ દિશામાં કદમ ઉઠાવ્યાં છે. અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ બજાર છે ત્યારે 10 ટકા વધારાના ટેરિફથી એ ક્ષેત્ર પર અસર પડવાની સંભાવના છે જેની અમેરિકાની બજાર પર નિર્ભરતા વધારે છે જેમાં ટેક્સટાઈલ અને ગારમેન્ટસ, જેમ્સ એન્ડ જ્વેલરી, લેધર ઉત્પાદનો, કૃષિ અને ખાદ્ય ઉત્પાદનો, એન્જિનિયરિંગ ઉત્પાદનો, કેમિકલ્સ તથા અન્ય ઉત્પાદિત વસ્તુઓનો સમાવેશ થાય છે.

વધારાનો ટેરિફ લાગવાથી ભારતના ઉત્પાદનો અમેરિકાની બજારમાં મોંઘાં બની જશે તેનાથી ખરીદદાર અન્ય દેશોનો વિકલ્પ ચકાસી શકે છે અથવા ભારતીય નિકાસકારો પર કિંમત ઘટાડવાનું દબાણ વધી શકે છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક