• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

અડધા ચોમાસા પછી પણ સૌરાષ્ટ્ર, કચ્છમાં 26% ઓછા વરસાદથી ચિંતા

ગુજરાતમાં હાલ ચાર         વરસાદી સિસ્ટમ સક્રિય, છતાં ભારે વરસાદની કોઈ શક્યતા નહીં

 

રાજકોટ, તા. 23: અલ નીનોની અસરને કારણે આ વર્ષે અડધું ચોમાસું વિતી ગયા પછી સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં સારો વરસાદ થયો નથી. અત્યાર સુધીની સ્થિતિએ આ વર્ષે રાજ્યમાં સરેરાશ 4% વરસાદની ઘટ છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 26% ઓછો વરસાદ નોંધાયો છે. ઓછા વરસાદથી લોકોમાં ચિંતા વ્યાપી છે.

ગુજરાતના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 29 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર અને મોન્સુન ટ્રફ સક્રિય હોવા છતાં, રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. આ સમયગાળા દરમિયાન દક્ષિણ-પશ્ચિમી પવનો ફૂંકાશે, જેના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે.

રાજ્યમાં અત્યાર સુધીના વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો વિવિધ વિસ્તારોમાં અસમાન વરસાદ જોવા મળ્યો છે.

જેમાં ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય કરતાં 13 ટકા વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સામાન્ય કરતા 26 ટકા ઓછો વરસાદ પડ્યો છે. આ અસમાનતાને પગલે, સમગ્ર રાજ્યમાં સરેરાશ વરસાદમાં હજુ પણ સામાન્ય કરતા 4 ટકાની ઘટ નોંધાઈ છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, 22 ઓગસ્ટે ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ પર જે લો પ્રેશર એરિયા હતો તે હવે નબળો પડી ગયો છે, પરંતુ તેની સાથે સંકળાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હજી પણ સક્રિય છે. બીજી તરફ, ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી અને તેની આસપાસના પડોશી વિસ્તારોમાં એક નવું લો પ્રેશર એરિયા બન્યું છે અને તેનું સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાઈ સપાટીથી 7.6 કિલોમીટર સુધી વિસ્તરેલું છે.

જ્યારે એક મોન્સુન ટ્રફ પોતાની સામાન્ય સ્થિતિથી ઉત્તર તરફ છે, જે અમૃતસરથી શરૂ થઈને દેવગઢ થઈને બંગાળની ખાડી સુધી જાય છે. આ ઉપરાંત, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય છે જેની પોઝિશન 60 ડિગ્રી પૂર્વ પર છે. આ સિસ્ટમ્સના પ્રભાવને કારણે આગામી 7 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં, ખાસ કરીને ગુજરાત રિજિયનમાં થોડી વધારે અને સૌરાષ્ટ્ર-કચ્છમાં થોડી ઓછી વરસાદી ગતિવિધિઓ જોવા મળી શકે છે, જ્યાં છૂટાછવાયા વરસાદની જ અપેક્ષા રાખી શકાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક