• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

રાજકોટના મેટોડામાં ઘર પાસે રમી રહેલી માસુમ બાળકી પીંખાય તે પહેલા નરાધમ દબોચાયો

રાજકોટ, તા.23:  રાજકોટમાં ઘર પાસે રમી રહેલી છ વર્ષની માસુમ બાળકીને આઈક્રીમની લાલચે ઉઠાવી જવાયા બાદ નરાધમના હાથે પિંખાય તે પહેલા જ આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો. પોલીસની સતર્કતાથી અધમ કૃત્ય થતા અટક્યું હતું. ત્રણ વર્ષની પુત્રીનો પિતા એવા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટની મેટોડા જીઆઈડીસીમાં પરિવાર સાથે રહેતી 6 વર્ષીય બાળકીનું આઈક્રીમ અપાવવાની લાલચે અપહરણ થયું હતું. આરોપી બાળકીને ચાલીને 2 કિમી દૂર લઈ ગયો હતો. માસૂમને ઝાડીમાં લઈ જઈ આરોપી કુકર્મ આચરવાનો પ્રયાસ કરી રહ્યો’તો ત્યારે જ શોધખોળ કરી રહેલી પોલીસને બાળકીનો રડવાનો અવાજ આવતા આરોપી ઝડપાઈ ગયો હતો. આરોપીના ફોનની તલાશી લેવાતા પોર્ન સાઈટ સર્ચ થયાની હિસ્ટ્રી પણ મળી આવી છે.

મેટોડા જીઆઈડીસીમાં રહેતા પરિવારની 6 વર્ષીય બાળકી ઘર પાસે રમી રહી હતી ત્યારે વિક્રમ સુખદેવ ગૌર (36) નામનો શખસ આઈસક્રીમ લઈ દેવાનું કહી બાળકીને સાથે લઈ ગયો હતો. ઘર પાસે બાળકી ન દેખાતા ચિંતાતુર માતાપિતાએ તુરંત 112ને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા 112ની ટીમે તુરંત જ  જીઆઈડીસી પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે તુરંત જ ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી ચેક કરતા નરાધમ વિક્રમ માસૂમ બાળકીને લઈ ખીરસરા તરફના રસ્તે ગયો  હોવાનું જાણવા મળ્યું હતું.

એક તરફ માસૂમ બાળકીના અપહરણ બાદ પરિવાર અને પોલીસને કંઈક અજુગતું બનવાની ચિંતા સતાવી રહી હતી. બીજી તરફ પોલીસકર્મીઓ સીસીટીવી ફૂટેજને આધારે ખીરસરા તરફના રસ્તા પર શોધખોળ કરી રહ્યા હતા ત્યારે જ ઝાડીમાંથી બાળકીનો રડવાનો અવાજ આવતા પોલીસે રસ્તાથી નીચે ઉતરી ઝાડીમાં તપાસ કરી તો બાળકી અને આરોપી મળી આવ્યા હતા.

પોલીસ જ્યારે પહોંચી ત્યારે બાળકીના શરીર પર એકેય વસ્ત્ર નહોતા. જ્યારે આરોપી વિક્રમ અર્ધવસ્ત્ર હાલતમાં હતો. પ્રાથમિક તપાસમાં આરોપીએ કોઈ દુષ્કર્મ ન કર્યાનું સામે આવ્યું છે. પરંતુ ઘટનાની ગંભીરતા જોતા પોલીસે બાળકી અને આરોપીનું મેડિકલ કરાવવા કાર્યવાહી હાથ ધરી છે.

વિક્રમ ગૌરને પણ ત્રણ વર્ષની દીકરી છે. તેના મોબાઈલ ફોનની હિસ્ટ્રી ચેક કરતા પોર્ન સાઈટ સર્ફ થયાનું ખૂલ્યું છે. અગાઉ ત્રણ વર્ષ સુધી રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં મજૂરી કામ કરી ચુક્યો છે આ પછી પોતાના વતન ગયો હતો અને હવે છેલ્લ બે મહિના પહેલા ફરી રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં મજૂરી કામકાજ અર્થે આવી મેટોડામાં આવ્યો હતો. જો કે હાલમાં તે કોઈ કામ ન કરતો હોવાનું અને કામકાજની શોધમાં હોવાનું પોલીસની પ્રાથમિક પુછપરછમાં રટણ કરી રહ્યો છે.

હાલ મેટોડા પોલીસે અપહરણ, પોક્સો અને દુષ્કર્મ પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક