રવિવારની રજામાં પાંચેય મિત્રો નાહવા જતા બની દુર્ઘટના : ત્રણનો બચાવ
તળાજા,તા.23
: તળાજા તાલુકાના અલંગ પોલીસ મથક હેઠળ આવતા મથાવડા ગામે રવિવારની રજા હોવાથી પાંચ યુવાન
મિત્રો વાડી વિસ્તારમાં આવેલા ચેકડેમમાં ન્હાવા પડ્યા હતા. દરમિયાન પાંચેય મિત્રો ઉંડા
પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જેમાં ત્રણ યુવાનોનો બચાવ થયો હતો. જ્યારે બે યુવાનના ડૂબી
જતા મોત નીપજ્યા હતા. ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન પૂર્વે જ બે આશાસ્પદ યુવાનના
મોતથી પરિવારમાં શોકની કાલીમા છવાઈ જવા પામી હતી.
જાણવા
મળતી વિગત મુજબ તળાજાના મથાવડા ગામે રહેતા તુષાર ગંભીરભાઈ શિયાળ (ઉ.વ. 17), મિલન ગાવિંદભાઈ
શિયાળ (ઉ.વ. 22), નિર્મિત ભરતભાઈ, અમિત ગંભીરભાઈ અને વિવેક સામતભાઈ નામના પાંચ મિત્રો
ગામના ચેકડેમમાં ન્હાવા ગયા હતા. દરમિયાન પાણીના ઉંડાણનો અંદાજ ન રહેતા એક બાદ એક પાંચેય
મિત્રો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જેથી બૂમબૂમ કરતા આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા
અને સ્થાનિક તરવૈયાઓએ ઝંપલાવી ત્રણ યુવાનોને બચાવી લીધા હતા. જોકે અન્ય બે યુવકો ઉંડા
પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
બનાવની
જાણ થતાં જ અલંગ-તળાજા ફાયર રેસ્ક્યૂ ટીમને જાણ કરવામાં આવી હતી. રેસ્ક્યૂ ટીમના વડા
પઢેરિયાના જણાવ્યા અનુસાર, ટીમે ભારે જહેમત બાદ બંને યુવાનોના મૃતદેહોને પાણીમાંથી
બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં તુષાર શિયાળ અને મિલન શિયાળના મૃત્યુ નીપજ્યા હતા.
આ બંને
મૃતક યુવાનો પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળના પરિવારના હતા. મૃતક તુષાર હાઈસ્કૂલમાં અભ્યાસ
કરતો હતો અને તાજેતરમાં જ ખેલકૂદ સ્પર્ધામાં ઊંચી કૂદમાં પ્રથમ નંબરે આવ્યો હતો, જ્યારે
મિલન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતો હતો અને તેને ફાયરનો કોર્સ પણ કર્યો હતો.
રક્ષાબંધનના તહેવાર પહેલા જ શિયાળ પરિવારની બહેનોએ પોતાના બે વહાલસોયા ભાઈઓ ગુમાવતા
ભારે કલ્પાંત સર્જાયો હતો.
ઘટનાની
જાણ થતાં હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, નાયબ મામલતદાર રાજુભાઈ ગોહિલ, તુલસીભાઈ
મકવાણા સહિતના અનેક સામાજિક અને રાજકીય આગેવાનો દોડી આવ્યા હતા અને શોકગ્રસ્ત પરિવારને
સાંત્વના પાઠવી હતી.