• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

કેનેડામાં ગુજરાતના વિકાસ-આર્થિક ક્ષમતાનો રોડમેપ રજૂ કરશે મુખ્યમંત્રી

ટોરેન્ટો મુલાકાત દરમિયાન આજે ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે ભૂપેન્દ્રભાઈ પટેલ મુલાકાત કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી) 

અમદાવાદ, તા. 22: આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027 પૂર્વે વિવિધ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા તેમજ વિદેશી રોકાણ પ્રાપ્ત કરવા માટે રાજ્યના પ્રયાસોના ભાગરૂપે આ મુલાકાત યોજાઈ રહી છે. આ પ્રવાસના ભાગરૂપે મુખ્યમંત્રી 23 અૉગસ્ટ, 2026ના રોજ કેનેડાના ટોરોન્ટો ખાતે પહોંચશે.

ટોરોન્ટો મુલાકાત દરમિયાન કેનેડા અને ગુજરાત વચ્ચે આર્થિક સહયોગને વધુ મજબૂત બનાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વિવિધ બેઠકો, રાઉન્ડ ટેબલ ચર્ચાઓ અને પરસ્પર સંવાદો દ્વારા માનનીય મુખ્યમંત્રી ગુજરાતની વધી રહેલી આર્થિક ક્ષમતાને રજૂ કરશે તેમજ વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીની સંભાવનાઓ અંગે ચર્ચા કરશે.  23 અૉગસ્ટ, 2026ના રોજ ટોરોન્ટો એરપોર્ટ ખાતે કોન્સ્યુલેટ જનરલ અૉફ ઇન્ડિયા (સીજીઆઇ) તથા ગુજરાતી ડાયસ્પોરાના સભ્યો દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ તેઓ ગુજરાતી ડાયસ્પોરાના સભ્યો સાથે સંવાદ કરશે તથા ફેડરેશન ઓફ ગુજરાત (એફઓજી) અને સીજીઆઇકાર્યાલય દ્વારા આયોજિત સ્વાગત સમારોહમાં ઉપસ્થિત રહેશે.

24 અૉગસ્ટ, 2026ના રોજ મુખ્યમંત્રી ધ ઇન્ડસ ઓંત્રપ્રિન્યોર્સ (ટીઆઇઇ)ના સભ્યો સાથે રાઉન્ડ ટેબલ બેઠકનું નેતૃત્વ કરશે, જેમાં ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આ બેઠક દરમિયાન ગુજરાતની વિકસિત થઈ રહેલી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અંગે ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ મુખ્યમંત્રી બિઝનેસ કાઉન્સિલ ઓફ કેનેડાના પ્રમુખ અને સીઇઓ, ગોલ્ડી હાયડર સાથે મુલાકાત કરશે. તેઓ GSFCની રાઉન્ડ ટેબલ બેઠકમાં પણ ભાગ લેશે, જેમાં ઓન્તારિઓના રિજનલ ડાયરેક્ટર  સહિત EDC તથા KRNના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.

 

ન્યૂયોર્કમાં જેપી મોર્ગન, ટિલમેન ગ્લોબલ, ઉબરના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજતા મુખ્યમંત્રી

(અમારા પ્રતિનિધિ તરફથી) 

અમદાવાદ, તા. 22: રાજ્યના મુખ્યમંત્રી હાલમાં અમેરિકાના પ્રવાસે છે ત્યારે ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે રોકાણ પ્રાપ્ત કરવા માટે અમેરિકાની ટોચની કંપનીઓના પ્રતિનિધિઓ રોજ વન ટુ વન બેઠક કરી રહ્યા છે. ત્યારે આજે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સહિતના ડેલિગેશને ન્યૂયોર્કમાં જેપી મોર્ગન, ટિલમેન ગ્લોબલ, ઉબર અને ગોલુબ

કેપિટલના પ્રતિનિધિઓ સાથે વન-ટુ-વન બેઠ યોજી હતી અને આઇબીએમ રિસર્ચની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીની આ મુલાકાતે રાજ્યના વિકાસ મોડેલમાં વૈશ્વિક રોકાણ, આધુનિક ટેક્નોલોજી, પોલિસી બેઝ્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, રિસર્ચ અને ઇનોવેશનના સમન્વય માટે પરસ્પર સહયોગની સંભાવનાઓ પ્રબળ બની છે. જે.પી. મોર્ગને ગિફ્ટ સિટી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને પુન:પુષ્ટિ કરી હતી. એટલું જ નહીં,  કંપની ગિફ્ટ સિટીમાં પોતાની પ્રેઝન્સ વધુ ગાઢ બનાવવાની અને બિઝનેસ એક્સપાન્શનની યોજનાની જાણકારી મુખ્યમંત્રીને આપી હતી. આ ઉપરાંત, મુખ્યમંત્રીએ ગોલુબ કેપિટલના ન્યૂયોર્ક ખાતેના કો-પ્રેસિડેન્ટ જેરી કીફ સાથે પણ બેઠક યોજી હતી. કંપનીએ પણ ગિફ્ટ સિટીમાં રોકાણ કરવામાં અને બેન્કિંગ, ઇન્સ્યોરન્સ તથા એક્સચેન્જ ક્ષેત્રે તેના સહયોગી ગ્લોબલ પ્લેયર્સને ગિફ્ટ સિટીના પ્લેટફોર્મ સાથે જોડવામાં મજબૂત રસ દર્શાવ્યો છે. 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક