• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

સુરતમાં 212 કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ સૂત્રધાર ઝડપાતા દેશવ્યાપી કૌભાંડના મોટા ખુલાસા

(ફૂલછાબ ન્યુઝ)

સુરત, તા.22 : સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ આચરનારા એક મોટા રેકેટમાં મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. લાંબા સમયથી નાસતા ફરતા અને આ આખા કૌભાંડનાં સૂત્રધાર આરોપીને પોલીસે દબોચી લીધો છે. પોલીસની આ સઘન કાર્યવાહીથી દેશભરમાં ફેલાયેલા બોગસ બેન્ક ખાતા અને ઓનલાઇન ફ્રોડનાં નેટવર્કની અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જેને લઈને પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સુરત સાયબર ક્રાઇમ સેલે રૂ. 212.87 કરોડના સાયબર ફ્રોડ કેસમાં સૂત્રધાર અને નાસતા ફરતા આરોપી રાજદીપ રણજીતભાઈ ધાધલ (ઉં.વ. 29) ની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રાજદીપે પોતાના નામે બોગસ અને ડમી ફર્મ ઊભી કરીને વિવિધ 7 મુખ્ય બેન્કોમાં કરન્ટ એકાઉન્ટ્સ ખોલાવ્યા હતા. તે એક એકાઉન્ટ દીઠ રૂ. 40 હજારનું કમિશન મેળવીને તમામ બેન્ક કિટ્સ, ચેકબુક અને ડેબિટ કાર્ડ્સ અગાઉ ઝડપાયેલા મુખ્ય અને સાગરીત પ્રવિણ જીલુભાઈ ધાધલને સોંપતો હતો અને સાયબર માફિયાઓને ગુનાહિત વ્યવહારો માટે સવલત પૂરી પાડતો હતો. આ અગાઉ અમરોલી વિસ્તારમાં દરોડો પાડી પ્રવિણ ધાધલનાં સ્થળેથી મોટી માત્રામાં મોબાઇલ ફોન, ડેબિટ કાર્ડ્સ, પાસબુક, ચેકબુક, સિમકાર્ડ અને ક્યુઆર કોડ જપ્ત કરવામાં આવ્યા હતા. આ રેકેટમાં અગાઉ પ્રવિણ ધાધલ, અંકિતપરી ગોસ્વામી, અજય ગોસ્વામી, બિપીન સાવલિયા, ચેતન લિંબાણી અને કૌશિક લિંબાણી જેવા સ્થાનિક સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી ચૂકી છે. વિવિધ બેન્કોના કુલ 154 બેન્ક ખાતાઓની હિસ્ટ્રી ચકાસતા તેમાં અત્યાર સુધીમાં રૂ. 212,87,97,974ના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ થયા હોવાનું ખુલ્યું છે, તેમજ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર આ એકાઉન્ટ્સ વિરુદ્ધ દેશના વિવિધ રાજ્યોમાં કુલ 410 ઓનલાઈન ફરિયાદો નોંધાયેલી છે જેમાં સીધી રીતે રૂ. 40,54,14,238નું મોટો ફ્રોડ આચર્યાનું સામે આવ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક