વડાપ્રધાન શાકાહારી હોવાથી નામ અયોગ્ય હોવાની રજૂઆત બાદ વેપારીઓએ સ્વયં બોર્ડ ઉતારી લેવાની ખાતરી આપી
સુરત,
તા. 26 : શહેરના નાનપુરા લક્કડકોટ વિસ્તારમાં નવનિર્મિત હોલસેલ માછલી માર્કેટને વડાપ્રધાન
નરેન્દ્ર મોદીનું નામ આપી દેવાતાં વિવાદ ઊભો થયો છે. વડાપ્રધાન શુદ્ધ શાકાહારી હોવાથી
માર્કેટને તેમનું નામ આપવું અયોગ્ય હોવાનું વેપારીએ ટાંક્યું હતું, તો ફીશ માર્કેટના
પ્રમુખે વડાપ્રધાન મોદીએ માછીમારો માટે અલગ મંત્રાલય બનાવ્યું છે અને અલગથી વિકાસના
નાણાની ફાળવણી કરી છે તો માર્કેટને નામ આપવાને મામલે કોઈ વિવાદ પેદા થવો જોઈએ નહીં
તેવી દલીલ કરી હતી. જો કે સમગ્ર મામલને થાળે પાડવા મનપાની ટીમ સ્થળ પર પહોંચી હતી.
મનપાની ટીમ પહોંચ્યા બાદ વેપારીઓએ સ્વયં બોર્ડ ઉતારી દેવાની ખાત્રી આપી હતી.
નોંધવું
કે શહેરના નાનપુરામાં 3.90 કરોડના ખર્ચે નવું ફીશમાર્કેટ ઊભું કરાયું છે. આ માર્કેટ
નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ નામ આપી દેવાતાં વિવાદ ઊભો થયો છે. નામને લઈને વેપારીઓ
બે સમૂહમાં વહેંચાઈ ગયા હોવાનું કહેવાય છે. એક વેપારીએ ટાંક્યું હતું કે વડાપ્રધાન
શુદ્ધ શાકાહારી છે આથી તેમનું નામ અયોગ્ય કહેવાશે. તો બીજા એક વેપારીએ માર્કેટને માછીમારી
સમાજના નામે નામ આપવાનો પ્રસ્તાવ કર્યો છે. વડાપ્રધાનની છબી ન ખરાડાઈ તે માટે તાત્કાલિક
બોર્ડ ઉતારી લેવાની ચીમકી વેપારીએ ઉચ્ચારી છે.
આ તરફ સુરત મનપાએ આ મામલે કહ્યું હતું કે બારોબાર નામ આપી દેવાયું છે. અમારી
ટીમ બોર્ડ ઉતારવા ગઈ હતી પરંતુ વેપારીઓએ સ્વયં જ બોર્ડ ઉતારી દેવાની ખાત્રી
આપી
છે.