• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

તાલાલામાં 10 વર્ષના બાળકને ત્રણ મિત્રોએ જીવતો સળગાવ્યો

પકડમ પટ્ટી રમતી વખતે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી દીધી

ગંભીર રીતે દાઝેલા બાળકને સારવારમાં રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો

તાલાલા, તા.31: તાલાલાના નરસંગ ટેકરી વિસ્તારમાં પકડમ પટ્ટી રમવા બાબતે થયેલા સામાન્ય ઝઘડામાં 10 વર્ષના બાળકને ત્રણ મિત્રોએ જીવતો સળગાવી દીધાનો ગંભીર આક્ષેપ સામે આવતા ચકચાર મચી ગઈ છે. પરિવારના જણાવ્યા અનુસાર, બાળક ઘર પાસે રમતો હતો ત્યારે પાડોશમાં રહેતા બાળકો સાથે ઝઘડો થતાં તેના ઉપર પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી દેવામાં આવી હતી, જેના કારણે તે ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘટના બાદ ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક તાલાલા અને જૂનાગઢ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તબિયત નાજૂક જણાતા તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે તાલાલા પોલીસે નોંધ કરીને આગળની સઘન તપાસ હાથ ધરી છે.

આ ગંભીર બનાવમાં ભોગ બનનાર બાળકનું નામ મુઝાહીદ બગસસાચલી સીદી બાદશાહ છે, જે બે ભાઈ અને બે બહેનમાં સૌથી નાનો છે અને તેના પિતા ચાર વર્ષ પહેલાં જ પરિવારને છોડીને ચાલ્યા ગયા હોવાથી તેની માતા જ ચારેય સંતાનોનું પાલન-પોષણ કરી રહી છે. પરિવાર દ્વારા મિત્રોએ ઝઘડો કરીને સળગાવી દીધાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જ્યારે બીજી બાજુ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં આ ઘટના ધમાલની પ્રેક્ટિસ કરતી વખતે બની હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસ આ  મામલે બંને પાસાઓ પર ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક