• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

સુરતમાં બનાવટી આધાર કાર્ડ, પાનકાર્ડ કૌભાંડનો સુત્રધાર કામરેજથી ઝડપાયો

ત્રણ વર્ષમાં બે લાખથી વધુ નકલી આધાર કાર્ડ, પાનકાર્ડ બનાવ્યાની કબૂલાત

સુરત, તા.16: સુરતમાં બનાવટી આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના નકલી ડોક્યુમેન્ટ માત્ર 15થી 25 રૂપિયાની નજીવી ફી લઇ બે લાખથી વધુ બનાવટી આઇ-કાર્ડ બનાવવાના કૌભાંડનો મુખ્ય સૂત્રધારને પોલીસે કામરેજથી ઝડપી લીધો હતો.  સરકારી વેબસાઇટના ડેટા હેક કરીને આપનાર હરિઓમ ઉર્ફે હર્ષા દિનેશાસિંહ સખવારે બે લાખથી વધુ બનાવટી આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના આઇ-કાર્ડ બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે. આર્થિક ગુના નિવારણ શાખાએ તેની ધરપકડ કરી હતી. અગાઉ 2021માં ઉત્તર પ્રદેશની ચૂંટણી ટાણે જ ઝડપાયેલા બનાવટી ચૂંટણીકાર્ડ પ્રકરણમાં સરહાનપુર અને અયોધ્યાના બે ગુનામાં ધરપકડ થઇ હતી. સુરત આર્થિક ગુના નિવારણ શાખાએ દેશવ્યાપી નેટવર્કનો પર્દાફાશ કરી ઉન્નાવથી પ્રેમવીરાસિંહ ધરમવીરાસિંહ ઠાકુર અને રાજસ્થનના શ્રીગંગાનગરમાંથી મુખ્ય સૂત્રધાર સોમનાથ પ્રમોદકુમારની ધરપકડ કરી હતી.

સોમનાથ પ્રમોદકુમારે છેલ્લા ત્રણ વર્ષમાં બે લાખ કરતા વધુ નકલી આધાર-ચૂંટણી-પાનકાર્ડ ઇશ્યૂ કરી ચૂકયાની કબૂલાત કરી છે. તે સરકારી પોર્ટલ પીએમજેવાય, સ્કોલરશિપ, કામગાર, તથ્ય યુ.આઇ.ડી.એ.આઇ.,ચૂંટણીકાર્ડ બનાવવા ઇસીઆઇ, પાનકાર્ડ બનાવવા પીએસએઓનલાઇન તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા સારથી પરિવહન સાઇટનો ઉપયોગ કરતો હતો. 

આ વેબસાઇટ ડેવલોપ કરવામાં તેને સરકારી ડેટા પૂરા પાડનાર તરીકે મધ્ય પ્રદેશના મુરૈનાના હરિઓમાસિંહ ઉર્ફે હર્ષાનુ નામ બહાર આવ્યું હતું. હરિઓમાસિંહ 2021માં ઉત્તરપ્રદેશના ઇલેક્શન વખતે તેનુ નામ બનાવટી ચૂંટણી કાર્ડ બનાવવામાં સૂત્રધાર તરીકે ખુલ્યું હતું. આરોપી કામરેજના વેલંજામાં મુરલીધર કોમ્પ્યુટરની દુકાન ધરાવતો હોવાની બાતમી મળતા પોલીસે તેને ઝડપી લીધો છે. હરિઓમ અને સોમનાથની વોટસએપ ગૃપમાં મુલાકાત થઇ હતી અને તેણે અન્ય એક હેકરને મદદથી એની ડેસ્ક એપ્લિકેશનની મદદથી સાઇડ ડેવલોપ કરવામાં મદદ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.