રાજકોટ,તા. 16: (ફૂલછાબ ન્યૂઝ) ઇરાન-ઇઝરાયલના યુધ્ધને લીધે અનેક ક્ષેત્રોમાં મોંઘવારી ઘર કરી ગઇ છે. પેટ્રોલિયમ પ્રોડક્ટની ખેંચને લીધે ટ્રાન્સપોર્ટેશન ઉપર અસર થઇ છે તો બીજી તરફ એરપોર્ટ પર પણ સુરક્ષાના કારણોસર વારંવાર ફ્લાઇટ ડાયવર્ટ કે રદ થઇ રહી છે. તેનું પરિણામ એ આવ્યું છેકે, આંતરરાષ્ટ્રીય કુરિયર અને પાર્સલ સર્વિસમાં તોતીંગ ભાવવધારો થઇ ચૂક્યો છે. મધ્યપૂર્વમાં જતાં ડોક્યુમેન્ટસના કુરિયરમાં 300-350 ટકા જેટલો વધારો થઇ ગયો છે. પાર્સલ-કાર્ગોમાં પણ એક કિલોએ રૂ. 300નો ભાવવધારો કરી દેવાયો છે.
ભારતમાંથી ડોક્યુમેન્ટસ કે સામાન
મોકલવાનું હવે ખાસ્સું મોંઘું પડી રહ્યું છે. એક આંતરરાષ્ટ્રીય કુરિયર કંપની સંચાલક
કહે છેકે, મધ્યપૂર્વ વિસ્તારમાં લગભગ પંદરેક જેટલા દેશનો સમાવેશ થાય છે. જ્યાં ડોક્યુમેન્ટ
કુરિયરનો ભાવ ચોક્કસ વજન સુધી રૂ. 1500-2000 હતો તે વધીને દસેક દિવસથી રૂ. 6500-0
કરી દેવામાં આવ્યા છે. યુએઇમાં સૌરાષ્ટ્રભરમાંથી અનેક ડોક્યુમેન્ટના કુરિયર જાય છે
જેમાં ભાવવધારાને લીધે વ્યવહારને અસર થઇ છે. ઘણી વખત મોંઘવારી છતાં ધંધાકિય દ્રષ્ટિએ
મહત્વના કાગળો હોય એટલે મોકલાવવા પડી રહ્યા છે.
મધ્યપૂર્વમાં વધારે વજનવાળો સામાન,
ઇન્ડસ્ટ્રીયલ ગુડઝ, ફૂડ પાર્સલો વગેરે પણ ખૂબ મોકલવામાં આવતા હોય છે. ત્યાં પર્સનલ
પાર્સલ મોકલવાનું ખર્ચ યુધ્ધ પહેલાની સ્થિતિની તુલનાએ અત્યારે રૂ. 300 પ્રતિ કિલો વધી
ગયું છે.
યુરોપ અને યુ.કે. જતા સેલ્ફ પાર્સલમાં
પણ કિલોએ રૂ. 300થી વધુ ભાવવધારો કરી દેવામાં આવ્યો છે. કુરિયર સંચાલકો કહે છે, અત્યારે વોર પ્રિમિયમ લેવાય છે. છતાં આગળ
જતા સમસ્યા વધશે તો વિદેશ વસતા સ્વજનો કે બાળકોને જોઇતી ચીજો મોકલવામાં વધારે સમસ્યા
પડશે એ ગણતરીએ અત્યારે વધારે માલ મોકલવા લાગ્યા છે. મોંઘવારીમાં ઉલ્ટું વધારે પાર્સલ
જવા લાગ્યા છે.
રાજકોટના એક કુરિયર સંચાલક કહે
છે કે, લગભગ તમામ કંપનીઓએ પોતપોતાની ઉપરની ચેનલના ભાવવધારા પ્રમાણે ચાર્જ વધારી નાંખ્યા
છે. એરલાઇન્સ કંપનીઓએ પણ એર પાર્સલ-કાર્ગો મોંઘા કર્યા છે. આમ છતાં ડિલિવરીમાં સામાન્ય
દિવસો કરતા પાંચથી આઠ દિવસ પાર્સલ મોડાં પહોંચી રહ્યા છે.
જોકે એરલાઇન્સ કંપનીઓની પણ એવી
દલીલ છેકે અત્યારે ભૂરાજકિય અનિશ્ચિતતાને લીધે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના શેડયૂલ વારંવાર
બદલાતા રહે છે. કોઇ ફ્લાઇટ ડાયવર્ટ થઇ જાય છેતો કોઇ રદ્દ કરવી પડે છે. ભારતથી નીકળતી
ફ્લાઇટસમાં સામેના એરપોર્ટની સ્થિતિ તપાસ્યા પછી જ ફ્લાઇટના શેડયુલ ગોઠવાય છે એ કારણથી
કુરિયર-કાર્ગો મોડાં પહોંચે છે. યુધ્ધનો અંત આવે એ પછી પણ કેટલાક દિવસો સુધી સમસ્યા
ચાલુ રહેવાની ગણતરી છે.