• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

રાજકોટમાં થયેલી હત્યા-લૂંટમાં લેવાઈ હતી એઆઈની મદદ

9 આરોપી ઝડપાઈ ગયા, મધરાતે ત્રણ વાગ્યા સુધી 50થી વધુ પોલીસમેન કામે લાગ્યા

ગભરાયેલી લુટારૂ ટોળકી નંબર પ્લેટ બદલાવી ન શકી

 

રાજકોટ, તા.15 ઃ રાજકોટમાં બુધવારે રાત્રે થયેલી લૂંટ અને જ્વેલર્સ પેઢીના કર્મચારીની હત્યાના નવ આરોપી ઘટના પછીના ગણતરીના કલાકોમાં ઝડપાઈ ગયા હતા. પોલીસે જે વિગતો જાહેર કરી તેમાં સૌથી અગત્યની બાબત એ હતી કે, આ આરોપીઓએ નાસી છુટવા માટે આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સનો સહારો લીધો હતો. પોલીસને આપેલી કબુલાતમાં તેમણે કહ્યું હતું કે, લૂંટ કરીને ક્યાં રસ્તે ભાગવું તેના માટે તેમણે ચેટ જીપીટીની મદદ લીધી હતી. સીસીટીવી કેમેરાથી કેમ બચી શકાય? તેવી જાણકારી એઆઈ પાસેથી લીધા છતાં તેઓ પોલીસના હાથમાં આવી ગયા હતા. સુરેન્દ્રનગર દસાડા થઈને તેઓ રાજસ્થાન તરફ નીકળ્યા હતા. નવ આરોપીને પોલીસે અડધી રાત્રે (જુઓ પાનું 10)

3 વાગ્યે ઝડપી લીધા હતા.

રાત્રે 7.55 વાગ્યે હત્યા અને લૂંટની જાણ થતાં ગણતરીની મિનિટોમાં શહેરભરનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ‘ઓપરેશન તન્વી’ શરૂ કરવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી સહિતના વિભાગોના આશરે 50 અધિકારીઓ-કર્મચારીઓની ટીમો કામે લાગી હતી. સીસીટીવી ફૂટેજની તપાસમાં લૂંટારુઓ ગ્રીનલેન્ડ ચોકડી તરફ ભાગ્યા હોવાનું સામે આવતાં પોલીસે શહેરના એક્ઝિટ પોઇન્ટ સીલ કરી નાકાબંધી ગોઠવી હતી. આયોજનબદ્ધ લૂંટમાં સ્થાનિક વ્યક્તિની રેકી હોવાની આશંકાના આધારે તપાસ આગળ વધારવામાં આવી હતી.   

પોલીસે સીસીટીવી ફૂટેજ, બાતમી અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે લૂંટારુઓનું પગેરું મેળવ્યું હતું. રાજકોટથી સુરેન્દ્રનગર, પાટડી, દસાડા અને સમી થઈને ટોળકી રાજસ્થાન તરફ ભાગી હતી. પોલીસનો પીછો અને ભીંસ વધતાં ગભરાયેલી ટોળકી ચોટીલા નજીક કારની નંબર પ્લેટ બદલવા માટે ઊભી રહી હતી, પરંતુ પોલીસના સતત પીછાને કારણે તેઓ નંબર પ્લેટ બદલી શક્યા નહોતા. પરિણામે કારની ઓળખ અને પીછો કરવામાં પોલીસને મદદ મળી હતી. રાજસ્થાનમાં ઉદયપુર નજીક સ્થાનિક પોલીસ નાકાબંધી કરીને ઊભી હતી, પરંતુ તે પહેલાં જ રાજકોટ પોલીસે પિંડવારા પાસે લૂંટારુઓને આંતરી લીધા હતા. રાજકોટથી પિંડવારા સુધીના આશરે 464 કિ.મી.ના દિલધડક પીછા બાદ વહેલી સવારે 2.59 વાગ્યે મુખ્ય ચાર લૂંટારુઓ સહિત આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આમ, ઘટનાના સાત કલાકમાં જ પોલીસે લૂંટ વિથ મર્ડરના આ ચકચારી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. રેકી કરવામાં સંડોવાયેલા બે શખ્સોને કચ્છના સામખિયાળી નજીકથી ઝડપી લેવામાં આવ્યા હતા.રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનના ઉદયપુર સુધી તપાસનો પીછો લંબાવ્યો હતો. પોલીસે લૂંટમાં ગયેલો સોના-ચાંદીનો તમામ મુદ્દામાલ સંપૂર્ણપણે રિકવર કરી લીધો હોવાની વિગતો પણ સામે આવી છે. નાયબ મુખ્યમંત્રી રાજકોટના પ્રવાસે હોવાથી પોલીસની દોડધામ વચ્ચે એક જ રાતમાં લૂંટ વિથ મર્ડરનો ગુનો ડિટેક્ટ થતાં લોકોમાં ચર્ચા જાગી હતી કે નાયબ મુખ્યમંત્રી અઠવાડિયામાં એક વખત રાજકોટના પ્રવાસે આવે તો ગુનેગારોને પકડવામાં પોલીસ આવી જ ઝડપ બતાવે!

 

ઇ-પેપરના નવા શુલ્ક