• શનિવાર, 14 નવેમ્બર, 2026

સૌરાષ્ટ્રમાં કાળ ચક્ર ફરી વળ્યું : માર્ગ અકસ્માતમાં 15નાં મૃત્યુ

રાજકોટ,તા.13:દીપાવલી અને નૂતન વર્ષની ઉજવણીમાં જ્યારે સૌરાષ્ટ્રમાં ખુશીઓના દીપ પ્રગટ્યા હતા, ત્યારે બીજી તરફ રસ્તાઓ પર અકસ્માતોની એવી હારમાળા સર્જાઈ કે અનેક પરિવારોની જિંદગીમાં કાયમી અંધકાર છવાઈ ગયો હતો. કોઈ પરિવાર સ્નેહીજનોને મળવા નીકળ્યો હતો, કોઈ માતાજીનાં દર્શને જતું હતું તો કોઈ ભાઈબીજની ખુશીઓ માણીને ઘરે પરત ફરી રહ્યું હતું, પરંતુ રસ્તામાં જ કાળ બનીને આવેલા અકસ્માતોએ હસતા-રમતા પરિવારોની ખુશીઓ છીનવી લીધી હતી. માસૂમ બાળકીથી લઈને યુવાન દંપતી અને આશાસ્પદ યુવકોનાં મૃત્યુથી પંથકમાં અરેરાટી ફેલાઈ છે, જ્યારે અનેક લોકો હોસ્પિટલના બિછાને જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે.

ભાવનગર નજીક દંપતીનાં મૃત્યુ, ચાર ઘાયલ

ભાવનગર નજીક પીપળી પાસે અમદાવાદથી ભાવનગર આવતી કારને અજાણ્યા વાહને ટક્કર મારતાં કાર ખાળિયામાં ખાબકી હતી. અકસ્માતમાં અમદાવાદના 32 વર્ષીય નઝીરહુસેન મેમણ અને 26 વર્ષીય આલ્ફીનાબેનનું મૃત્યુ થયું હતું, જ્યારે ચાર વ્યક્તિઓ ઘાયલ થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ થઈ છે.

કોઠારિયા પાસે દર્શને જતો પરિવાર અકસ્માતનો ભોગ

સુરેન્દ્રનગરના કોઠારિયા નજીક પિકઅપ વાહન પલટી ખાતાં માતાજીનાં દર્શને જતા એક જ પરિવારના 25થી વધુ સભ્યો ઘાયલ થયા હતા. ત્રણની હાલત ગંભીર હોવાથી અમદાવાદ રિફર કરાયા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દોડધામ મચી હતી.

ગોંડલમાં ત્રણ વર્ષની બાળકીનું મૃત્યુ

ભોજપરા નજીક કષ્ટભંજન દેવ મંદિરે દર્શન કરીને પરત ફરતી માતા-પુત્રીને કારે અડફેટે લેતાં ત્રણ વર્ષની માસૂમ ક્રિવાનું મૃત્યુ થયું હતું. થારચાલકની પોલીસે ધરપકડ કરી છે. પરિવારે એકની એક દીકરી ગુમાવતાં કલ્પાંત છવાયો હતો.

જામનગરમાં ઈકો પલટી, બે મહિલાનાં મૃત્યુ

જામનગર-અલીયાબાડા પાટિયા પાસે ઈકો કાર પલટી ખાતાં 17 વર્ષીય માનસીબા અને કૈલાશબાનું મૃત્યુ થયું હતું. કારમાં સવાર અન્ય છ લોકોને ઈજા થઈ હતી.

સોરઠમાં પાંચ અકસ્માત, પાંચનાં મૃત્યુ

જૂનાગઢ જિલ્લામાં દિવાળીના પર્વ દરમિયાન પાંચ અકસ્માતમાં પાંચ વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હતાં અને ત્રણ ઘાયલ થયા હતા. વિસાવદર, કેશોદ, વંથલી, માળીયા હાટીના અને અન્ય વિસ્તારોમાં બનેલી દુર્ઘટનાઓએ શોક ફેલાવ્યો હતો.

અન્ય અકસ્માતોએ પણ છીનવી લીધાં જીવન

અમરેલીના માંડળ અને સુખપર ગામે જાહેર માર્ગે ભુંડ અને ખુંટિયો આડો આવતાં બે બાઈકચાલકનાં મૃત્યુ થયાં હતાં. ધારીના દુધાળા પાસે કારની ટક્કરે બાઈકચાલક રામજીભાઈ બારૈયાનું મૃત્યુ થયું હતું. ગોંડલના કપુરીયા ચોકમાં બાઈક થાંભલા સાથે અથડાતાં 25 વર્ષીય મહિપાલ વાળાનું મૃત્યુ થયું હતું. જૂનાગઢના ઘૂંઘટી ગામના 19 વર્ષીય પારસ સિંધવનું બાઈક અકસ્માતમાં મૃત્યુ થતાં બે બહેનોનો એકનો એક ભાઈ ગુમાવતાં પરિવાર ભાંગી પડ્યો હતો.

સિહોરમાં એસ.ટી. બસની અડફેટે કોલેજિયનનું મૃત્યુ

ભાવનગર જિલ્લાના સિહોરમાં પેટ્રોલ ભરાવવા જવાની એક સામાન્ય સફર 18 વર્ષીય કોલેજિયન માટે અંતિમ સફર બની હતી. ગુંદાળા વિસ્તાર પાસે હાઈવે પર એસ.ટી. બસે મોટરસાઇકલને અડફેટે લેતાં આશાસ્પદ યુવરાજ વિજયજી ચૌહાણનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મૂળ લીંબડાર ગામના અને હાલ સિહોરની શર્મા પાર્ક સોસાયટીમાં રહેતા યુવરાજ ચૌહાણ પોતાના સંબંધી ધૈર્યરાજ સાથે મોટરસાઇકલ લઈને પેટ્રોલ ભરાવવા ગયા હતા. આ દરમિયાન એસ.ટી. બસના ચાલકે બેફિકરાઈ અને પૂરઝડપે બસ હંકારી મોટરસાઇકલને ટક્કર મારતાં યુવરાજનું મૃત્યુ થયું હતું, જ્યારે ધૈર્યરાજનો આબાદ બચાવ થયો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક