ભાવનગર,
ગોંડલ, તા.13: દિવાળીના તહેવારની ખુશીઓ અને ભાઈબીજના પવિત્ર પર્વ વચ્ચે સૌરાષ્ટ્રમાં
હત્યાની બે કરુણ ઘટનાઓએ અરેરાટી ફેલાવી છે. ગોંડલના ત્રાકુડા ગામે ખેતીકામની રાજિંદી
માથાકૂટે લોહિયાળ વળાંક લેતાં વાડીમાં કામ કરતા ભાગીયાએ માલિકની પત્નીની નિર્મમ હત્યા
કરી હતી જ્યારે ભાવનગરમાં જમવાનું લેવા નીકળેલા યુવકને જૂની અદાવતમાં આંતરી છરીના ઘા
ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો, પોલીસે મુખ્ય આરોપી સહીત ત્રણને ઝડપી લીધા હતા.
એક તરફ પુત્ર ગુમાવતાં પરિવાર પર આભ તૂટી પડયું, તો બીજી તરફ વાડીમાં જ મહિલાની હત્યાથી
પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ગોંડલના ત્રાકુડા ગામે વાડીમાં ભાગીયા તરીકે કામ
કરતા મધ્યપ્રદેશના રાજુ રમેશભાઈ ડોડીયારે કામકાજ બાબતે થયેલી બોલાચાલીમાં વાડી માલિક
જીતેન્દ્રભાઈ અમૃતિયાની પત્ની જોશનાબેન (ઉં.વ.58) પર પાવડાના હાથા વડે હુમલો કરી હત્યા
કરી હતી. ત્યારબાદ મૃતદેહને રીંગણના વાવેતરમાં છુપાવી પરિવાર સાથે નાસી ગયો હતો. છ
કલાકની શોધખોળ બાદ મૃતદેહ મળતાં પોલીસને જાણ કરાઈ હતી. તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં
રાજુને ઝડપી પાડી હત્યામાં વપરાયેલ પાવડાનો હાથો કબજે કર્યો છે.
બીજી તરફ ભાવનગરના કરચલીયા પરા વિસ્તારના પોપટનગરમાં
રહેતા રોહિતભાઈ બુધાભાઈ બારૈયા દિવાળીની રાત્રે આશરે દસ વાગ્યે બાઈક પર પંજાબી શાક
લેવા નીકળ્યા હતા. તે દરમિયાન અગાઉની બોલાચાલીની અદાવત રાખીને વિજય પરષોત્તમભાઈ રાઠોડ
અને બે સગીરોએ તેમને આંતર્યા હતા. વિજયે રોહિતને પકડી રાખતાં અન્ય બે સગીરોએ છરીના
ઘા ઝીંક્યા હતા. પુત્રને બચાવવા વચ્ચે પડેલા પિતાને પણ ઈજા થઈ હતી. ગંભીર હાલતમાં રોહિતને
સર ટી. હોસ્પિટલ લઈ જવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ગંગાજાળિયા પોલીસે
મુખ્ય આરોપી વિજય (ઉં.વ.42) અને બંને સગીરોને ઝડપી લીધા છે.