• શનિવાર, 14 નવેમ્બર, 2026

સૌભાગ્ય પંચમી : યાર્ડ-બજારો ફરી ધમધમશે

રાજકોટ યાર્ડમાં 1100 કરતા વધારે વાહનમાં જણસી ઠલવાઇ : ઠેર ઠેર થશે મુહૂર્ત

રાજકોટ,તા.13: (ફૂલછાબ ન્યૂઝ) દિવાળીની લાંબી રજાઓ બાદ સૌભાગ્ય પંચમી પૂર્વે શુક્રવારે બજારો સજ્જ થઇ રહી હતી. આવતીકાલે પંચમી છે અને મુહૂર્ત કરીને નવા વર્ષના પરંપરાગત રીતે કામકાજના શ્રીગણેશ કરવામાં આવનાર છે. વેપારીઓ દુકાન અને ઓફિસના મુહૂર્ત કરીને નવા ચોપડામાં ‘શુભ-લાભ’ લખીને કામકાજ શરૂ કરશે. તહેવારનો મૂડ હજુ બનેલો છે પણ મુહૂર્ત સાચવવા માટે હવે બધા સજ્જ થઇ ગયા છે. માર્કેટ યાર્ડ આવતીકાલથી ખૂલી રહ્યા છે, બજારમાં પણ ફરી નવા કામકાજ શનિવારથી થવાના છે.

દિવાળી પૂર્વે ગત 5 નવેમ્બરથી માર્કેટ યાર્ડમાં રજાઓ પડી ગઇ હતી. એ પછી આજ સુધી ખૂલ્યાં નથી. ગુજરાતના અગ્રણી પચ્ચાસ કરતા વધારે માર્કેટ યાર્ડમાં આવતીકાલથી મુહૂર્ત કરવાની જાહેરાત થઇ છે. એ પૂર્વે શુક્રવારથી માર્કેટ યાર્ડમાં નવી આવકને પ્રવેશ આપવાની શરૂઆત કરાઇ હતી. મગફળી, કપાસ, તલ, ચણા, સોયાબીન અને જીરૂની આવક કેટલી થાય છે તેના પર સૌની નજર છે. કપાસ અને મગફળીથી માર્કેટ યાર્ડ છલકાવાની ધારણા છે. જોકે પાક ઉત્પાદન ઓછાં છે અને ખેડૂતોની પકડ સારા ભાવની આશાએ વધી છે એટલે ડિસેમ્બર પછી આવક સાવ તળિયે જઇ શકે છે.

રાજકોટ, ગોંડલ, જામનગર સહિતના મોટાં યાર્ડમાં આવકને પ્રવેશ આપવામાં આવ્યો હતો. રાજકોટ યાર્ડમાં 1100 કરતા વધારે વાહનો ભરીને કપાસ, મગફળી, સોયાબીન, તેલિબિયાં અને કઠોળની આવક થઇ હતી. કપાસની આશરે 15થી 20 હજાર મણ અને મગફળીની 30 હજાર ગુણીની આવક થવાનો અંદાજ મૂકાતો હતો.

સૌરાષ્ટ્રભરમાં અત્યારે મોટી ઓફિસો કે કારખાનાઓમાં રજા ચાલી રહી છે. કેટલીક ઓફિસ શરૂ થઇ છે પણ કર્મચારીઓની પાંખી હાજરી છે. દાણા બજાર, ઝવેરી બજાર, તેલ બજાર, કાપડ માર્કેટ તથા ઘરવખરીની ચીજોની તમામ બજારોમાં આવતીકાલે શુકનના કામકાજ સાથે ધમધમાટ શરૂ થવાનો છે. જોકે આવશ્યક ચીજોની વસ્તુઓ વેંચતી અનેક દુકાનો રજાના દિવસોમાં પણ ચાલુ રહી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક