• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

ટાટ-એચએસ પરીક્ષાના મૂલ્યાંકન સામે ઉમેદવારોમાં રોષ

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન વચ્ચે પોલીસે અટકાયતી કાર્યવાહી કરી, યોગ્ય મૂલ્યાંકન કરી પરિણામ જાહેર કરવા ઉમેદવારોની માગ

રાજકોટ, તા. 25: રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આજે શિક્ષણ વિભાગની ભરતી પ્રક્રિયા સામે ઉમેદવારોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઉચ્ચતર માધ્યમિક શિક્ષક યોગ્યતા કસોટી (ટાટ-એચએસ)ના પરિણામમાં ગંભીર અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો સત્યાગ્રહ છાવણી ખાતે એકત્રિત થયા હતા. પરિણામના મૂલ્યાંકનમાં ખામી રહી હોવાનો અને મહેનત છતાં અત્યંત ઓછા ગુણ આપવામાં આવ્યા હોવાનો આરોપ લગાવી ઉમેદવારોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પોલીસે અટકાયતી કાર્યવાહી હાથ ધરી હતી. આજે સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડયા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉમેદવારોની મુખ્ય માંગ છે કે સમગ્ર પરિણામનું નિષ્પક્ષ અને પારદર્શક રીતે પુન:મૂલ્યાંકન કરવામાં આવે. પોતાની વ્યથા અને માંગણીઓ સરકાર સુધી પહોંચાડવાના આશયથી આ ઉમેદવારો સ્થાનિક ધારાસભ્યને રૂબરૂ રજૂઆત કરવા માટે પણ પહોંચ્યા હતા. જોકે પરિસ્થિતિ વધુ વણસે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન જોખમાય તે માટે સ્થળ પર પહેલેથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

 વિરોધ પ્રદર્શન કરી રહેલા ઉમેદવારોને વિખેરવા માટે પોલીસે કડક વલણ અપનાવ્યું હતું અને કેટલાક આંદોલનકારી ઉમેદવારોની અટકાયત કરી તેમને પોલીસ વાહનોમાં બેસાડીને સ્થળ પરથી લઈ જવામાં આવ્યા હતા. પોલીસની આ અચાનક કાર્યવાહીને પગલે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

 

પેપર મૂલ્યાંકનમાં ભૂલ થઈ હોવાનો ઉમેદવારોનો આક્ષેપ

 રજૂઆત કરવા આવેલા ભાવિ શિક્ષકો સાથે કરાયેલા વર્તન સામે ઉમેદવારોએ નારાજગી વ્યક્ત કરી હતી.  આંદોલનમાં જોડાયેલા ટાટ-એચએસના ઉમેદવારે જણાવ્યું હતું કે, પરિણામ આવ્યું ત્યારે અમને અપેક્ષા કરતાં ઘણા ઓછા માર્ક્સ આપવામાં આવ્યા છે. મૂલ્યાંકન પ્રક્રિયામાં ચોક્કસપણે કોઈ મોટી ભૂલ થઈ છે જેનો ભોગ અમારા જેવા મહેનતુ ઉમેદવારો બની રહ્યા છે. અમે શાંતિપૂર્ણ રીતે અમારો હક માંગવા આવ્યા છીએ પરંતુ અમારી વાત સાંભળવાને બદલે અમારી અટકાયત કરવામાં આવી રહી છે. જ્યાં સુધી  માંગણી સંતોષવામાં નહીં આવે અને પરિણામનું યોગ્ય પુન:મૂલ્યાંકન કરી ન્યાય આપવામાં નહીં આવે, ત્યાં સુધી પીછેહઠ કરશે નહીં અને આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવશે એવી ચેતવણી ઉમેદવારોએ આપી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક