મિસ
યુનિવર્સની 75મી સ્પર્ધામાં પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટો વિજેતા બની છે. આ સ્પર્ધામાં
ડોમિનિકન રિપબ્લિક રનર-અપ રહ્યું છે, જ્યારે વેનેઝુએલાએ ત્રીજું સ્થાન મેળવ્યું છે.
ભારત તરફથી ભાગ લઈ રહેલી કાઝિયા લિઝ મેજો ટોપ-30 રાઉન્ડ સુધી પહોંચી હતી, પરંતુ ટોપ-12માં
સ્થાન મેળવતાં પહેલાં જ બહાર થઈ ગઈ હતી. મિસ યુનિવર્સના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ
પર પોસ્ટ કરીને નવી વિજેતાનું સ્વાગત કરવામાં આવ્યું છે. મિસ યુનિવર્સ 2026નો ખિતાબ
જીતનારી જેનિફર બેરેટો પ્રિવેન્શન સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરે છે. તેણે રિસર્ચ સાયકોલોજીમાં
બેચલર ડિગ્રી અને સાયકોલોજી તથા ક્લિનિકલ સોશિયલ વર્કમાં બે માસ્ટર ડિગ્રી મેળવી છે.
વર્ષ 2021માં તેણે ટેક્સાસના ફોર્ટ હૂડ ખાતે અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ સાથે
પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ફેમિલી એડવોકેસી પ્રોગ્રામ હેઠળ તેણે ઘરેલુ હિંસા
અને બાળ શોષણનો ભોગ બનેલા લશ્કરી પરિવારોને મદદ કરી હતી તેમજ નેતાઓને નિવારણ અને મદદની
વ્યૂહનીતિ અંગે તાલીમ પણ આપી હતી. આ ઉપરાંત તેણે કાર્લ આર. ડાર્નલ આર્મી મેડિકલ સેન્ટરમાં
સ્વયંસેવક તરીકે સેવા આપી છે અને પ્યુઅર્ટો રિકોમાં પીડિયાટ્રિક ડાયાબિટીસ એસોસીએશન
સાથે પણ સામાજિક કાર્યમાં જોડાયેલી છે.