• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

‘પાટીદાર અને ચૌધરી સમાજ એક થાઓ’

હિંમતનગર ખાતે આંજણા ચૌધરી સમાજના અર્બુદા મહોત્સવમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફૂલ પટેલના નિવદેનથી રાજકીય ગણગણાટ

ઊંઝા ઉમિયાધામ ટ્રસ્ટ તેમજ સરદાર પટેલ ગ્રુપે નિવેદનને આપ્યું સમર્થન કહ્યું, બન્ને સમાજો વચ્ચે રોટી-બેટીના સંબંધો શરૂ કરો

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા.25: સાબરકાંઠાની ધરતી પર હિંમતનગર ખાતે આંજણા ચૌધરી સમાજના અર્બુદા મહોત્સવમાં દીવ-દમણ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલે કરેલા નિવેદનથી રાજકીય ગણગણાટ શરૂ થઈ ગયો છે. શિયાળાની ઠંડી જામી રહી છે ત્યાં જ ચૂંટણી અગાઉ રાજકીય માહોલ ગરમાયો છે.

પ્રફુલ પટેલે જાહેર મંચ પરથી કરેલા નિવેદનને લઈને રાજકીય તથા સામાજિક મોરચે તેની ભારે ચર્ચા થઈ રહી છે. અર્બુદા મહોત્સવના મંચ પરથી તેમણે કડવા પાટીદાર, લેઉવા પાટીદાર અને આંજણા સમાજને એક મંચ પર આવવાની હાકલ કરી હતી.  તેમણે કહ્યું કે, મા ઉમિયા, મા ખોડલ અને મા અર્બુદા ત્રણેય સગી બહેનો છે, તો ત્રણેય સગી બહેનોના સંતાનો કેમ અલગ હોય? કડવા અને લેઉવા પટેલનો ભેદ ભૂલવાની સાથોસાથ ચૌધરીને પણ પટેલ ગણવા અપીલ કરી હતી.

આટલું જ નહીં એવી પણ ટકોર કરી કે રાજકીય રીતે એક થવાની વાત નથી પણ સામાજિક રીતે એક થવાની જરૂર છે. આ તકે સંઘપ્રદેશના પ્રશાસકે અટક ભલે અલગ-અલગ હોય પણ વ્યવસાયે ખેતી કરતા હોય તે તમામને પાટીદાર ગણવા વિશાળ હૃદયે સમાજના આગેવાનોને વિચારણા કરવા પણ અપીલ કરી હતી.  પ્રફુલ પટેલની આ અપીલને બનાસ ડેરીના ચેરમેન અને ચૌધરી સમાજના દિગ્ગજ નેતા શંકર ચૌધરીએ પણ સમર્થન આપતા કહ્યું કે મા ઉમિયા, મા ખોડલ અને મા અર્બુદા ત્રણેય મા જગદંબાના જ અલગ-અલગ સ્વરૂપો છે. 

નોંધનીય છે કે પાટીદાર સમાજમાં દીકરીઓને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે હવે પ્રફુલ પટેલે કરેલા સામાજિક એકતાના આ નિવેદનથી રાજકારણ પણ ગરમાયું છે. ઊંઝા ઉમિયાધામ ટ્રસ્ટના પ્રમુખ એમ. એસ. પટેલ, એસપીજીના લાલજી પટેલ, દિનેશ બાંભણીયા, વરુણ પટેલ સહિતના આગેવાનોએ પણ આ નિવેદનનું સમર્થન કર્યું હતું. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે આ પ્રકારના નિવેદનથી ચારેકોર ચર્ચાઓ થઈ રહી છે.

 

ઊંઝા ઉમિયાધામ ટ્રસ્ટના મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, આગામી સમયમાં બંને સમાજે એક થઈને રોટી-બેટીના સંબંધો શરૂ કરવા જોઈએ. આજે પાટીદાર સમાજમાં દીકરીઓ નથી

મળી રહી. બીજીતરફ સીદસર ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશ કોટડીયાએ પણ જણાવ્યું કે, પાટીદાર સમાજના દરેક માતાજી સગા બહેનો છે તેનો શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે તો તેના સંતાનો એક થવા જોઈએ. સમાજમાં વિકાસ કરવો જોય તો દરેક સમાજને સાથે રાખવા જોઈએ. 

 

સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે પણ પ્રફુલ પટેલના નિવેદનનું સમર્થન કર્યું હતું. તેમના મતે જ્યારે જાહેર મંચ પરથી સમાજની વાત કરવામાં આવતી હોય છે તો તેની સાથે હું સહમત છું. સમાજની એકતા વધે તેવા પ્રયાસો આવકાર્ય છે.  ચૌધી સમાજના મંચ પરથી કરાયેલા આ નિવેદનથી આગામી સમયમાં કેવા સમીકરણો સર્જાય છે તેના પર લોકોની નજર રહેશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક