-
ગુજરાતની ટોચની ખાનગી શાળાઓની
રોજની ફી રૂ.879થી રૂ.2,386 સુધી પહોંચતાં વાલીઓના બજેટ પર મોટો બોજ
-ફી ઉપરાંત છૂપા ખર્ચનો પણ મોટો બોજ, ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવું હવે મધ્યમ વર્ગ માટે મોંઘો સોદો
રાજકોટ,
તા.25 : એક તરફ મોંઘવારીમાં ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે, તો બીજી તરફ બાળકોને
સારું શિક્ષણ અપાવવાનો ખર્ચ પણ મધ્યમ વર્ગની કમર તોડી રહ્યો છે. ગુજરાતમાં ખાનગી શાળાઓની
ફીનું માળખું એટલું ઊંચું પહોંચી રહ્યું છે કે બાળકને એક દિવસ ભણાવવાનો ખર્ચ પણ સામાન્ય
કર્મચારીની આખા દિવસની કમાણી કરતાં વધી રહ્યો છે. ફી રેગ્યુલેટરી કમિટી (FRC) દ્વારા મંજૂર કરાયેલા ફી માળખાના
વિશ્લેષણમાં રાજ્યની 18 સૌથી મોંઘી શાળાઓની દૈનિક ટયૂશન ફી રૂ.879થી રૂ.2,386 સુધી
હોવાનું સામે આવ્યું છે. આ યાદીમાં રાજકોટની ત્રણ શાળાઓનો સમાવેશ થતાં સૌરાષ્ટ્રના
વાલીઓ માટે પણ ચિંતાના વાદળો ઘેરાયાં છે.
ગુજરાતની
સૌથી વધુ FRC-મંજૂર
ફી ધરાવતી 18 શાળાઓમાં અમદાવાદની સાત શાળાઓનો સમાવેશ થાય છે. સુરત અને રાજકોટની ત્રણ-ત્રણ,
ગાંધીનગરની બે તથા વડોદરા અને વલસાડની એક-એક શાળા આ યાદીમાં છે. મોટાભાગની શાળાઓ IB, કેમ્બ્રિજ અને CBSE અભ્યાસક્રમ ચલાવે છે. ખાસ કરીને
રાજકોટની ત્રણ શાળાઓનું આ યાદીમાં સ્થાન દર્શાવે છે કે શહેરમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ
મેળવવું હવે મધ્યમ વર્ગ માટે મોંઘો સોદો બની રહ્યો છે.
છિઈની
વાર્ષિક ફીને વર્ષના આશરે 240 શૈક્ષણિક દિવસના આધારે ગણવામાં આવે તો દૈનિક ફી રૂ.879થી
રૂ.2,386 થાય છે. ગાંધીનગરની અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં દૈનિક ટયુશન ફી રૂ.2,386 છે.
બીજી તરફ, સરેરાશ રૂ.50,000 માસિક પગાર ધરાવતા કર્મચારીની 25 કામકાજના દિવસ પ્રમાણે
દૈનિક કમાણી આશરે રૂ.2,000 થાય છે. એટલે બાળકના એક દિવસના શિક્ષણનો ખર્ચ જ વાલીની આખા
દિવસની કમાણી કરતાં વધી શકે છે.
માત્ર
ટયૂશન ફી ચૂકવવાથી વાલીઓની જવાબદારી પૂરી થતી નથી. પ્રવેશ ફી અને કોશન ડિપોઝિટ પાછળ
રૂ.50 હજારથી રૂ.1.5 લાખ સુધીનો ખર્ચ થઈ શકે છે. ટ્રાન્સપોર્ટ માટે વાર્ષિક રૂ.30 હજારથી
રૂ.60 હજાર, જ્યારે પુસ્તકો, યુનિફોર્મ અને સ્પોર્ટ્સ કિટ માટે રૂ.20 હજારથી રૂ.40
હજારનો વધારાનો ખર્ચ થાય છે. ભોજન અને ઇતર પ્રવૃત્તિઓના ચાર્જ અલગ! શિક્ષણ દરેક બાળકનો
અધિકાર છે, માત્ર આર્થિક રીતે સદ્ધર પરિવારની પસંદગી નહીં. રાજકોટ સહિત ગુજરાતના વાલીઓનો
સવાલ પણ હવે એ જ છે કે આધુનિક સુવિધાઓના નામે વધતી ફી પરવડે તેવી ક્યારે બનશે?
સુવિધાઓ
સામે વાલીઓની આર્થિક ક્ષમતા કેટલી ?
શાળા
સંચાલકો ઓછો વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર, સ્માર્ટ ક્લાસરૂમ, એઆઈ અને રોબોટિક્સ લેબ,
સ્વામિંગ પૂલ તથા આંતરરાષ્ટ્રીય શિક્ષણ પદ્ધતિ જેવી સુવિધાઓને ઊંચી ફીનું કારણ ગણાવે
છે. પરંતુ સવાલ એ છે કે આવી સુવિધાઓનો ખર્ચ સામાન્ય પરિવાર કેટલો ઉઠાવી શકે? જો રૂ.6થી
8 લાખની વાર્ષિક આવક ધરાવતા પરિવારમાં બે બાળકો હોય અને બંને મોંઘી શાળામાં ભણતાં હોય
તો માત્ર ટયૂશન ફી જ આવકનો મોટો હિસ્સો ખાઈ શકે છે. પરિણામે બચત ઘટે છે અને કેટલાક
પરિવારોને લોનનો સહારો લેવો પડે છે.