• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

ગ્રામીણ પોસ્ટ ઓફિસ બનશે બિઝનેસ હબ

- કેબિનેટે પોસ્ટલ ઓપરેશન્સ યોજના મંજૂર કરી : 67 નવા પાર્સલ હબ અને 519 પેકેજિંગ યુનિટ સ્થપાશે : સિલચરમાં એરપોર્ટ સહિત કુલ પાંચ યોજના માટે 19,000 કરોડ રૂપિયા મંજૂર

 

નવી દિલ્હી, તા. 25 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બુધવારે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ અને ડાક સેવાને મજબૂત કરવા માટે પાંચ મહત્ત્વના નિર્ણયો કર્યા હતા. સરકાર આ યોજનાઓ ઉપર કુલ 19,934 કરોડ રૂપિયા ખર્ચ કરશે. નિર્ણયમાં આસામના સિલચરમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટને મંજૂરી, તમિલનાડુના કામરાજાર પોર્ટમાં બીજું કન્ટેનર ટર્મિનલ બનાવવું, નિર્માણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત ઉપકરણોનાં ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા 11,000 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી અને પોસ્ટ ઓફિસના આધુનિકીકરણ તેમજ પોસ્ટની ઈમારતો, સ્ટાફ ક્વાર્ટરના નવીનીકરણ માટેની યોજના સામેલ છે. પોસ્ટ માટેની યોજનામાં  67 નવા પાર્સલ હબ વિકસિત કરવા અને 519 પાર્સલ પેકેજિંગ યુનિટ સ્થાપિત કરવામાં આવશે તેમજ ગ્રામીણ પોસ્ટ ઓફિસને બિઝનેસ હબનાં રૂપમાં વિકસિત કરવામાં આવશે.

દેશના સૌથી મોટા ટપાલ નેટવર્ક ઇન્ડિયા પોસ્ટને આધુનિક અને હાઇ ટેક બનાવવાની દિશામાં કેન્દ્ર સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 1141 કરોડ રૂપિયાનાં બજેટ સાથે કેન્દ્રની યોજના પોસ્ટલ ઓપરેશન્સને ચાલે રાખવાની મંજૂરી મળી છે. પાંચ વર્ષની યોજનાનો મુખ્ય હેતુ ડાક સેવાના ઇન્ફ્રાસ્ટ્રક્ચને આધુનિક બનાવવું, અંતિમ છેડા સુધી ડિલિવરી મજબૂત કરવી અને ઇ-કોમર્સ લોજિસ્ટિક અને ડિજિટલ સેવાને પ્રોત્સાહન આપવાનો છે.

પોસ્ટ ઓફિસ માટે ફાળવવામાં આવેલા બજેટમાં મેલ નેટવર્ક ઓપ્ટિમાઇઝેશન માટે 575 કરોડ રૂપિયા, પાર્સલ નેટવર્ક ઓપ્ટિમાઇઝેશન માટે 278 કરોડ રૂપિયા, ગ્રામીણ વ્યવસાય અને પોસ્ટલ નેટવર્ક સુધી પહોંચ માટે 100 કરોડ રૂપિયા, ફિલાટેલી (ડાક ટિકિટ સંગ્રહ) સંચાલન માટે 60 કરોડ અને આંતરરાષ્ટ્રીય પોસ્ટનાં માળખાનો વિકાસ કરવા 8 કરોડ રૂપિયા મંજૂર થયા છે. બજેટનો સૌથી મોટો હિસ્સો મેલ સંચાલનને આધુનિક બનાવવા પાછળ ખર્ચ કરવામાં આવશે. બાદમાં મોટી રકમ નવા પાર્સલ હબ બનાવવા થશે.

કેન્દ્રીય કેબીનેટમાં દેશમાં કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇક્વિપમેન્ટ (સીઆઇઇ) એટલે કે નિર્માણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત ઉપકરણોનાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા 11,000 કરોડ રૂપિયા મંજૂર થયા છે. આ યોજના હેઠળ 2026-27થી 2033-34 સુધી કામગીરી કરવામાં આવશે અને સાત પ્રકાશના ઉપકરણના ઘરેલુ ઉત્પાદન ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે. જેમાં ટનલ બોરિંગ મશીન, ઓફ હાઇ વે ટ્રક, એક્સકેવેટર, ક્રેન, લોડર, પાઇલિંગ રિગ અને ડ્રિલિંગ મશિન સામેલ છે.

આ ઉપરાંત તમિલનાડુના કામરાજાર પોર્ટ લિમિટેડમાં બીજું કન્ટેનર ટર્મિનલ વિકસાવવા 4288 કરોડ રૂપિયા અને આસામના સિલચરમાં ડોલૂ વિસ્તારમાં નવું ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બનાવવા 2014 કરોડ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક