નવી
દિલ્હી, તા.25 : સુપ્રીમ
કોર્ટે બુધવારે અલ્હાબાદ હાઈકોર્ટના એ આદેશને રદ કર્યો હતો જેમાં સીબીઆઈ અને ઈડીને
રાહુલ ગાંધી વિરુદ્ધ તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઈ)
સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી. મોહનાની ખંડપીઠે આ મામલો
ફરીથી હાઈકોર્ટને સોંપ્યો હતો. હવે હાઈકોર્ટ રાહુલ ગાંધીને આ કેસમાં પક્ષકાર બનાવશે
અને તેમનો પક્ષ સાંભળ્યા બાદ નવો આદેશ જારી કરશે. ઉલ્લેખનીય છે કે ગત મે મહિનામાં,
ભાજપ કાર્યકર્તા એસ. વિગ્નેશ શિશિર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે હાઈકોર્ટે
સીબીઆઈ અને ઈડીને આ આરોપોની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. શિશિરે રાહુલ ગાંધી અને
તેમના પરિવારના અન્ય સભ્યો વિરુદ્ધ તપાસની માંગ કરી હતી. રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં આ આદેશને પડકાર્યો
હતો. તેમણે દલીલ કરી હતી કે અરજદારને આ મામલામાં અરજી કરવાનો કોઈ અધિકાર નથી અને તેમણે
પોતાની ઓળખ કે વિગતો પણ જાહેર કરી નથી. તેમણે
કોર્ટમાં એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે ગોપનીય બાબતોની જાણકારી અખબારોમાં કઈ રીતે પ્રકાશિત
થઈ હતી.