• શનિવાર, 28 નવેમ્બર, 2026

તાલાલા પંથકમાં અડધી કલાકમાં ધરતીકંપના 5 આંચકાથી ધરા ધ્રૂજી

સૌથી વધુ 2.6ની તીવ્રતાનો આંચકો : જમીનથી માત્ર 3.1થી 5.9 કિલોમીટરની ઊંડાઈએ

કેન્દ્રાબિંદુ તાલાલાથી 10થી 12 કિ.મી. ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં નોંધાયું

તાલાલા, તા.27 : તાલાલા પંથકમાં આજે બપોરના સમયે માત્ર 30 મિનિટના ટૂંકા ગાળામાં ધરતીકંપના પાંચ આંચકા અનુભવાતાં સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી. તાલાલા શહેર સહિત આસપાસનાં અનેક ગામોમાં ધરતી ધ્રૂજી ઊઠતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. એક પછી એક આવેલા આંચકાઓના કારણે લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના જણાવ્યા અનુસાર, બપોરે 3:30 કલાકે 2.3ની તીવ્રતાનો પ્રથમ આંચકો નોંધાયો હતો. ત્યારબાદ 3:32 કલાકે 2.2, 3:34 કલાકે 1.3, 3:51 કલાકે 2.6 અને સાંજે 4:00 કલાકે 1.1ની તીવ્રતાનો પાંચમો આંચકો નોંધાયો હતો. આ તમામ આંચકાઓનું કેન્દ્રાબિંદુ તાલાલા ગીરથી આશરે 10થી 12 કિલોમીટર ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં નોંધાયું હતું. આંચકાઓ જમીનથી માત્ર 3.1થી 5.9 કિલોમીટરની ઊંડાઈએ ઉદ્ભવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ પૈકી 2.6ની તીવ્રતાના આંચકાની અસર સૌથી વધુ અનુભવાઈ હતી. જેના કારણે ઘરોમાં બારી-બારણાં ખખડી ઊઠયા હતાં. ધાવા ગિર, બોરવાવ ગિર, માધુપુર ગિર, આંકોલવાડી ગિર અને સુરવા ગિર સહિતનાં ગામોમાં પણ આંચકાની અસર વર્તાઈ હતી. જોકે, સતત પાંચ આંચકા અનુભવાયા હોવા છતાં જાનમાલ કે મિલકતને નુકસાન થયાના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી. એક જ વિસ્તારમાં ટૂંકા ગાળામાં વારંવાર ભૂકંપના આંચકા આવતાં સ્થાનિકોમાં ભય અને ઉત્સુકતા બંને જોવા મળી રહ્યાં છે.

ઇ-પેપરના નવા શુલ્ક