• શનિવાર, 01 એપ્રિલ, 2023

Breaking News

રાજકોટ: એક વર્ષમાં હાર્ટ એટેકના કેસમાં 26%નો વધારો

108 ઇમરજન્સી સેવાને કાર્ડિયાક ઇમરજન્સી સેવા માટે 3,815 જેટલા કોલ આવ્યા

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, તા.16: ક્રિકેટ રમતા કે કસરત કરતા યુવાનોના મૃત્યુના સમાચાર સાંભળતા ચિંતા વધી જાય છે. જો કે, કોરોના બાદ આ સમસ્યા વધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે પરંતુ તબીબો આ બાબતન નકારી રહ્યા છે. રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું હોવાનો સરકાર પણ સ્વીકાર કરી રહી છે ત્યારે રાજકોટ જિલ્લામાં જ ગત વર્ષની સરખામણીમાં 26 ટકા કેસનો વધારો થયો હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ જિલ્લા કલેક્ટરે જણાવ્યું  હતું કે, છેલ્લા એક વર્ષમાં રાજકોટ શહેર - જિલ્લામાં હૃદયરોગમાં હુમલાના કેસમાં 26 ટકાનો તોતિંગ ઉછાળો આવ્યો છે. એક વર્ષમાં 108 ઇમરજન્સી સેવાને કાર્ડિયાક ઇમરજન્સી સેવા માટે 3,815 જેટલા કોલ આવ્યા હતા. જો કે, સૌથી વધુ કેસમાં પ્રેગનન્સી અંગેના 21,500 તો અકસ્માત  અંગેના 8,800 કેસના કોલ આવ્યા હતા. રાજકોટમાં અત્યારે 42 જેટલી 108 એમ્બ્યુલન્સ સાથે અંદાજિત 56 પાયલોટ અને 50 ઇએમટી આરોગ્યમકર્મીઓ 108માં સેવાઓ આપી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં જાન્યુઆરી માસમાં સૌથી વધુ ટુ વ્હીલ અકસ્માતમાં 560 કેસ, ફોર વ્હીલ અકસ્માતમાં 94 કેસ, થ્રી વ્હીલ અકસ્માતમાં 53 કેસ, અન્ય વાહન અકસ્માતમાં 36 કેસ, ટ્રેન અકસ્માતમાં 7 કેસ નોંધાયા છે. ફેબ્રુઆરી માસમાં સૌથી વધુ ટુ વ્હીલ અકસ્માતમાં 515 કેસ, ફોર વ્હીલ અકસ્માતમાં 86 કેસ, થ્રી વ્હીલ અકસ્માતમાં 59 કેસ, અન્ય  વાહન અકસ્માતમાં 44 કેસ, ટ્રેન અકસ્માતમાં 5 કેસમાં ત્વરિત સારવાર પૂરી પાડી નાગરિકો માટે 108 જીવન રક્ષક બની છે.