• મંગળવાર, 25 જૂન, 2024

ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે બાબરામાં બે ઇંચ વરસાદ

મતીરાળા પોણો, ઉમરાળા - બગસરા - બોટાદ-ખાંભામાં અડધો ઇંચ : ઉમરાળામાં ભારે પવનનાં કારણે વૃક્ષ, વીજપોલ ધરાશાયી અને શેડનાં પતરાં ઉડયાં

રાજકોટ, તા.9 : નૈઋઍત્યનું ચોમાસું ગુજરાતની નજીક પહોંચ્યું છે ત્યારે પ્રી-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામી રહ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. એવામાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે બીજા દિવસે પણ ભારે પવન સાથે વરસાદ તૂટી પડયો હતો. આજે પણ અમરેલી, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, બોટાદ સહિતના વિસ્તારોમાં આજે પણ વરસાદ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તોફાની પવન ફૂંકાવાનાં કારણે અનેક ઠેકાણે વૃક્ષો પણ ધરાશાયી થયાં છે. બાબરામાં બે ઇંચ જેટલો વરસાદ વરસતા રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા થયાં હતાં. વરસાદનાં કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

બાબરા: તાલુકાના મોટાભાગનાં ગામોમાં  સખત બફારા વચ્ચે બપોર પછી  દોઢથી બે ઇંચ જેટલો વરસાદ પડતાં ઠંડક પ્રસરી હતી. દિવસ ભર ઉકળાટથી જનજીવન વ્યાકુળ બન્યું હતું. બાદ ધીમીધારે બે કલાકમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ થયો હતો. તાલુકાનાં દરેડ, ચરખા, નિલવળા, ચમારડી, કરિયાણા સહિતનાં ગામમાં સારો વરસાદનાં વાવડ મળે છે.

ભાવનગર : આજે બપોર સુધી ભારે ગરમી બાદ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન પવન ફૂંકાયો હતો. પાલિતાણામાં સાંજે છૂટો છવાયો વરસાદ પડયો હતો. સિહોર પંથકમાં પણ સાંજે પવન સાથે વરસાદ પડયો હતો. ભાવનગર શહેરમાં સાંજે વરસાદી માહોલ ઉભો થયો હતો અને પવન ફૂંકાયો હતો પરંતુ વરસાદ પડયો ન હતો. 

બગસરા : પંથકમાંનાં માણેકવાડા, ઘંટીયાણ, નવી હલિયાદ, જૂની હલિયાદ તેમજ મોટા મુંજિયાસાર અને બગસરા શહેરમાં જોરદાર પવનના સૂસવાટા તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે અડધો ઇંચ વરસાદ પડયો હતો. આ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે બગસરા શહેરના નીચાણવાળા વિસ્તારમાં રોડ ઉપર નદીઓ વહેતી થઈ હતી.

ખાંભા : ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ખાંભા, નાનુડી, વાંકિયા, ભાડ સહિતનાં પંથકમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.

બોટાદ : શહેરમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને ધૂળની ડમરી સાથે વરસાદી ઝાપટું પડયું હતું. ઉનાળાની કાળજાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે ત્યારે બોટાદ શહેરમાં સાંજના સમયે અચાનક કાળા ડિબાંગ વાદળો સાથે સુસવાટા મારતા પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી અને વરસાદી ઝાપટું પડયું હતું. ભારે પવનનાં કારણે રોડ ઉપર રહેલાં હોર્ડિંગ્સને મોટાં પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું હતું.

મોડાસા : અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં રાત્રિના સુમારે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં લાગેલ હોર્ડિંગ્સ હવામાં ફંગોળાયા હતા. મધ્ય રાત્રિએ વીજળીના તેજ ચમકારા અને કડાકા-ભડાકા થતાં લોકો રીતસરના ફફડી ઉઠયા હતા. ભારે પવનનાં પગલે વીજ પ્રવાહ ખોરવાતા પ્રજાજનો અસહ્ય ઉકળાટથી તોબા પોકારી ઉઠયા હતા. 

ઉમરાળા : અસહ્ય ગરમી પછી આજે બપોર બાદ ચાર વાગે ઉમરાળામાં વીજળી અને વંટોળનું ચક્રવાતી તોફાન શરૂ થયું હતું. જેનાથી મિનિટોમાં ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. અનેક વૃક્ષો તૂટી પડયાં હતાં. મકાનો પરથી પતરાં, નળિયાં, સોલાર રૂફ ટોપ ઉડ્યાં હતાં. સૌથી વધુ પતરાં અહીંની કેન્દ્રવર્તી શાળાના મકાનની છત પરથી ઉડયાં હતાં અને તેમાંથી કેટલાંક તો 200 મીટર દૂર કાળુભાર નદી સુધી ઉડી ગયાં હતાં. સરકારી દવાખાનામાં ટીસીના વીજ પોલ તૂટી ગયા હતા. અહીંના મુખ્ય માર્ગ પર તાતિંગ વૃક્ષો ધરાશાયી થવાથી બસસ્ટેશનથી ઉતારા ચોક સુધીનો રસ્તો બંધ થઈ ગયો હતો. અનેક જગ્યાએ વીજળીના તાર અને થાંભલા તૂટી જવાથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. પવનના તોફાન સાથે વરસાદ પણ શરૂ થયો હતો. જોકે તે 11 મી.મી.જ વરસ્યો હતો. સીમમાં ખેડૂતોની ઓરડીઓનાં પતરાં-છાપરાં ઉડી ગયાં હતાં. ગામમાં કે સીમમાં કોઈને ઈજા થયાનું જાણમાં નથી.

સાવરકુંડલા: સવારથી બપોર ગરમી બાદ બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ થયો હતો. ખેડૂતો અને લોકો પણ ખુશખુશાલ થયા હતા.

મતીરાળા: ભારે પવન સાથે પડેલ વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં. વીજળી ગુલ થઈ ગઈ હતી. ગાજવીજ સાથે પડેલા વરસાદથી વાતાવરણ ઠંડુગાર થઈ ગયું હતું. આશરે પોણો ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે.

અમરેલી: ધારીના ગીર પંથકમાં પણ ધોધમાર વરસાદ પડયો હતો. જેમાં જંગમાં બિરાજમાન તુલસીશ્યામ ભગવાન મંદિરે પણ ધોધમાર વરસાદ પડયો હતો. દલખાણિયા કોટડા અને ડાભાળી ગામે પવન જોવા મળ્યો હતો. કુકાવાવ પંથકમાં પણ પવન સાથે ધીમીધારે વરસાદ પડયો હતો. અમરેલી શહેરમાં ઢળતી સંધ્યાએ મિનિ વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો. પવનના કારણે વીજળી ગૂલ થઈ જતાં શહેરમાં અંધારાના ઓળા ઉતરી આવ્યા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક