• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

પાળિયાદ નજીક કારની ઠોકરે ચડી જતાં બાઇકચાલક શિક્ષકનું મૃત્યુ ગઢિયા ગામના શિક્ષક નોકરી પૂરી કરી ભદ્રાવડી ગામે જતા હતા ત્યારે સર્જાયો અકસ્માત

બોટાદ, તા.15 : બોટાદના પાળિયાદ નજીક કારની ઠોકરે ચડી જતા બાઇકચાલક શિક્ષકનું ગંભીર ઈજા થતાં મૃત્યુ નીપજ્યું હતું. રાણપુરનાં ગઢીયા ગામના શિક્ષક નોકરી પૂરી કરી ભદ્રાવડી ગામે ઘરે જતા હતા ત્યારે કારના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ બોટાદના ભદ્રાવડી ગામે રહેતા ઘનશ્યામભાઈ રામજીભાઈ કાનેટીયા (ઉ.વ.60)નો પુત્ર કિરણ (ઉ.વ.40) રાણપુર તાલુકાના ગઢિયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. જેઓ તા.14ના બપોરે પોતાનું બાઈક લઈને ગડિયા ખાતેથી સ્કૂલેથી ઘરે ભદ્રાવડી પરત આવતા હતા દરમિયાન સાકરડી રાજઅતિથિ હોટલથી પાળિયાદ તરફ આશરે દોઢેક કીમી આગળ રોડ ઉપર પહોંચતા પાછળથી અલ્ટો કારના ચાલકે પૂર ઝડપે અને ગફલત ભરી રીતે માણસની જિંદગી જોખમાય તે રીતે ચલાવી બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બાઈકચાલક શિક્ષક કિરણભાઈને ગંભીર ઈજા થતા સારવાર માટે 108 મારફત બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જોકે સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ નીપજ્યું હતું.

બીજી તરફ અકસ્માત સર્જનાર કારનો ચાલક કાર મૂકી નાશી છૂટયો હતો.બનાવની જાણ થતા પાળીયાદ પોલીસે દોડી જઈ જરૂરી કાયવાહી કરી મૃતકના પિતાની ફરિયાદ પરથી આરોપી કારચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. આ બનાવથી શિક્ષકના પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક