ભાવનગર, તા.4 : ભાવનગર જિલ્લાના
જેસર ગામે આજથી પાંચેક મહિના પહેલા વાડીમાં વૃદ્ધનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં
મળી આવ્યો હતો. આ બનાવમાં હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ મૃતકના પુત્રએ હાઈકોર્ટમાં
કરતા કોર્ટે જેસર પોલીસને ફરિયાદમાં હત્યાની કલમ ઉમેરવા આદેશ કર્યો છે.
આ બનાવ અંગે જેસર પોલીસ મથકેથી
જાણવા મળતી વિગતો અનુસાર જેસર ગામે કૃષ્ણપરા વિસ્તારમાં રહેતા અને પિતૃક્ત માલિકીની
જમીન ધરાવતા મનસુખ પ્રાગજી દેસાઈ-ઝાલાવડિયા (ઉં.63)નો મૃતદેહ ગત તા.26-5-24ના રોજ તેની
વાડીની ઓરડીમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો એ સમયે મૃતકના શરીર પર ઈજાના નિશાન
પણ હોવાથી આ સંદર્ભે એ વખતે જેસર પોલીસે માત્ર અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ
ધરી હતી પરંતુ હત્યા થઈ હોવાનો આક્ષેપ મૃતકના પુત્ર નિલેશે કર્યો હતો અને આ અંગે ગુજરાત
હાઈકોર્ટમાં પુરાવા સાથે ફરિયાદ કરતા હાઈકોર્ટે જેસર પોલીસને ફરિયાદમાં હત્યાની કલમનો
ઉમેરો કરી તપાસ હાથ ધરવા આદેશ કર્યો છે અને આ બનાવમાં ફરિયાદી નિલેશે હત્યાના શકમંદ
તરીકે મગન પ્રાગજી દેસાઈ-ઝાલાવડિયા, રવજી હીરા ડાભી, શાંતુ રવજી ડાભી તથા રાજુ રવજી
ડાભીના નામ આપતા જેસર પોલીસે ચારેય શકદારોના નામ એફઆઈઆરમાં નોંધી વધુ તપાસ હાથ ધરી
છે.
બાઇક અડફેટે બાળકનું મૃત્યુ:
ભાવનગર શહેરના રબર ફેકટરી નજીક જવાહર મેદાનની સામે પૂરઝડપે જતી કારના ચાલકે રોડ પરથી
પસાર થયેલા બાઇકને અડફેટે લેતા વિકાસ રાજુભાઇ ઘેસલાટ (ઉ.વ.2)નું ગંભીર ઇજા થતા ઘટના
સ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે બાળકના પિતા રાજુભાઇ સનાભાઇ તથા પુષ્પાબેન નામની મહિલાને
ઇજા થતા 108 ઇમરજન્સી મારફત હોસ્પિટલ ખસેડાયા છે.