ખાનગી
હોસ્પિટલના ડોકટરોની બેદરકારીનો મૃતકના પરિજનોનો આક્ષેપ : હાર્ટ એટેક આવતા મૃત્યુ થયાનો
તબીબોનો બચાવ
ભાવનગર,
તા.ર9 : આનંદનગર વિસ્તારમાં રહેતા યુવાનનું ખાનગી હોસ્પિટલમાં નાકનું ઓપરેશન દરમિયાન
મૃત્યુ નિપજતા પરિવારજનોએ તબીબની બેદરકારી સામે અનેક આક્ષેપો કર્યા હતા અને હોસ્પિટલ
ખાતે ટોળા એકઠા થઈ જતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે મૃતદેહ ફોરેન્સિક
પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની
વિગત એવી છે કે, આનંદનગર વિસ્તારમાં રહેતા મહેશ અમૃતભાઈ નામના યુવાનને નાકમાં હાડકુ
વધતું હોવાના કારણે ઓપરેશન કરાવવા માટેથી ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો
અને ડો.અશ્વિન કાનાણીએ મહેશનું ઓપરેશન શરૂ કર્યું હતું. દરમિયાન તબીબોએ મહેશને હાર્ટ
એટેક આવતા મૃત્યુ નિપજયાની પરિવારને જાણ કરતા દેકારો મચી ગયો હતો અને બાદમાં તબીબો
પાસે ફાઈલ માંગતા તબીબો હોસ્પિટલમાંથી નાસી છુટયા હતા અને બાદમાં ફાઈલ આપવામાં આવી
હતી. આ બનાવના પગલે હોસ્પિટલ ખાતે મૃતક મહેશના પરિવારજનો અને સગાસંબંધીઓના ટોળા એકઠા
થઈ જતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને બંદોબસ્ત ગોઠવ્યો હતો અને પરિવારજનોએ તબીબની બેદરકારી
સામે આક્ષેપો કર્યા હતા.
આ બનાવના
પગલે મૃતકના પરિવારે પેનલ પીએમની માંગણી કરતા
પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. આ અંગે મૃતક મહેશના પડોશી દિલીપ
અને મામા મનુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે મહેશને નાકમાંથી લોહી જ બધ થતું નહોતું અને
તબીબની બેદરકારીના કારણે મૃત્યુ નિપજયું હતું. રિપોર્ટ આવ્યા બાદ તબીબ સામે ફરિયાદ
નોંધાવશે. પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.