• શનિવાર, 19 એપ્રિલ, 2025

કલ્યાણપુર પંથકમાં ચાર દી’માં હત્યાના 2 બનાવથી ચકચાર

ગાગા ગામે યુવાનને જેસીબીના પાવડાથી જ્યારે ભોપાલકા ગામે પ્રૌઢની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા: કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર ઉઠતા સવાલ 

ખંભાળિયા,તા.16: કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે એક શખ્સ દ્વારા 45 વર્ષીય યુવાનની હત્યા નિપજાવાઈ હતી. આ બનાવ બાદ મંગળવારે રાત્રે ભોપાલકા ગામે 60 વર્ષના પ્રૌઢને બોથળ પદાર્થ મારીને પતાવી દીધાનું બહાર આવતા પોલીસ તંત્ર દોડ્યું છે. કલ્યાણપુર પંથકમાં ચાર દિવસમાં બે-બે હત્યાથી ચકચાર મચી જવા પામી છે. 

કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે રહેતા દેવરામ વાલાભાઈ સોનગરા નામના 60 વર્ષીય પ્રૌઢની ગત તા.15ના રોજ ઘાતકી હત્યા નિપજાવવામાં આવી છે. મૃતક દેવરામભાઈ સોનગરા દ્વારા એક આસામીની વાડી ભાગમાં રાખી જીરાનું વાવેતર કર્યું હતું. જે જીરૂ બે મહિના પહેલા બળી જતા આ અંગે દેવરામભાઈને આરોપીઓ ઉપર શંકા હતી કે આરોપીઓએ દવા છાંટી લીલા જીરાના પાકને બાળી નાખ્યો છે. જેથી દેવરામભાઈને તથા આરોપીઓ સાથે છેલ્લા બે મહિનાથી મનદુ:ખ ચાલતું હોય જે મનદુ:ખનો ખાર રાખી આરોપીઓએ દેવરામભાઈને માથાના પાછળના ભાગે તથા મોઢા ઉપર લાકડીઓ વડે હુમલો કરી હત્યા થયું હોવાનું પ્રાથમિક ચર્ચામા જાણવા મળ્યું હતુ. આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે દામાભાઈ દેવરામભાઈ સોનગરાની ફરિયાદ પરથી આરોપી રમેશ દામજી રાઠોડ, જયસુખ ટપુ રાઠોડ, સામુબેન રમેશ રાઠોડ અને રમીલાબેન જયસુખ રાઠોડ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો તેમજ શકદાર ઈસમો ટપુ મનજી રાઠોડ, દામા મનજી રાઠોડ, દેવશી મનજી રાઠોડ અને મુકેશ દામા રાઠોડના નામ પણ જાહેર થયા છે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે

જ્યારે અન્ય એક બનાવમાં ગત તા.13ના રોજ ગાગા ગામે રહેતા ફરિયાદી ખીમાભાઈ કાનજીભાઈ પરમારના નાનાભાઈ દેવરાજભાઈ નામના 45 વર્ષીય યુવાન તથા આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધરમશી ગોરધન પરમારને છેલ્લા દોઢ બે વર્ષથી ઉકરડા બાબતે મનદુ:ખ થયું હોય અને દેવરાજભાઈએ આરોપીના બા મણીબેનને માર મરેલો હોય જેનું આરોપી તથા દેવરાજભાઈ વચ્ચે મનદુ?ખ ચાલતુ હતું.  જેનો ખાર રાખી ઉપરોક્ત આરોપી ઇસમે જે.સી.બી. મશીનના પાવડા વડે દેવરાજભાઈની હત્યા નિપજાવી હતી. 

આ સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસે ખીમાભાઈ પરમારની ફરિયાદ પરથી ઉપરોક્ત શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી ગત તા.15ના આરોપીની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજુ કરી પોલીસ દ્વારા બે દિવસના રિમાન્ડની માંગણી કરાતા કોર્ટ દ્વારા એક દિવસના રિમાન્ડ મંજૂર કરાતા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામા આવી છે. આમ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં છેલ્લા ચારેક દિવસમાં બે  ઘાતકી હત્યાના બનાવે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક