3 દિવસથી ચાલતી હેરાફેરીની જાણ થતા આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ટ્રક રોકી તપાસ કરતા કારસ્તાન સામે આવ્યું
અરવલ્લી, સાબરકાંઠા, જામનગરમાં
પણ આવું કૌભાંડ ચાલતું હોવાનો કોંગ્રેસનો દાવો
અમદાવાદ, તા.11 : એક તરફ રાજ્યની
સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને પુસ્તકોનો અભાવ સતાવી રહ્યો છે, ત્યારે અમદાવાદમાંથી
સરકારી શાળાઓને વિનામૂલ્યે આપવામાં આવતા ધોરણ 5, ધોરણ 8 અને ધોરણ 12ના નવા પુસ્તકો
ભરેલી એક ટ્રક ઝડપાઈ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ સંયુક્ત રીતે
આ કૌભાંડનો પર્દાફાશ કરતા હંગામો મચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં આ પુસ્તકો પંજાબ સગેવગે
કરાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે, જેના પગલે શિક્ષણ વિભાગે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીને
તપાસના આદેશ આપ્યા છે.અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી એક શાળામાંથી રાજ્ય સરકાર
દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આપવામાં આવતા પુસ્તકો ભંગારના ભાવે વેચી ટ્રક
મારફતે અન્ય રાજ્યમાં સગેવગે કરાઈ રહ્યા હતા. છેલ્લા 3 દિવસથી ચાલતી આ હેરાફેરીની જાણ
આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓને થઈ હતી. જેથી આજે વોચ રાખી કાર્યકર્તાઓએ તાત્કાલિક
કાર્યવાહી કરીને પંજાબની એક ટ્રક રોકી તપાસ કરતા તેમાંથી ધોરણ 5, ધોરણ 8 તથા ધોરણ
12ના સામાજિક વિજ્ઞાન, ગણિત ગમ્મત સહિતના પુસ્તકો મળી આવ્યા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓએ
જ્યારે ટ્રક ચાલકની પૂછપરછ કરી, ત્યારે તે જવાબ આપી શક્યો ન હતો. પ્રાથમિક તપાસમાં
સામે આવ્યું છે કે, આ પુસ્તકો ભરેલી ટ્રક પંજાબ જઈ રહી હતી, જ્યાં કેટલાક શખસો દ્વારા
આ નવા પુસ્તકોને ભંગારના ગોડાઉનમાં પસ્તી તરીકે વેચવાનો પ્લાન હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ
ટ્રક ઝડપી પાડયા બાદ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
નોંધનીય છે કે, આ પહેલો કિસ્સો
નથી, બે દિવસ અગાઉ અરવલ્લી જિલ્લાના માલપુર સ્થિત એક ભંગારના વેપારીને ત્યાંથી ધોરણ
1થી 8ના 5000 જેટલા સરકારી પાઠય પુસ્તકોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. અરવલ્લી જિલ્લા
પ્રાથમિક શિક્ષણાધિકારીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, મહીસાગર જિલ્લાના
ખાનપુર પંથકમાંથી ભંગારના વેપારીએ આ સરકારી પુસ્તકોનો જથ્થો ખરીદ્યો હતો. આ મામલે અરવલ્લી
જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને રિપોર્ટ
કરવામાં આવ્યો છે. અરવલ્લી ઉપરાંત સાબરકાંઠા, જામનગરમાં પણ આવું કૌભાંડ હોવાનું કોંગ્રેસનું
કહેવું છે. આ ઘટના દર્શાવે છે કે, સરકારી પુસ્તકોના વિતરણ અને વ્યવસ્થાપનમાં ગંભીર
ક્ષતિઓ છે, જેને કારણે વિદ્યાર્થીઓને પુસ્તકોનો અભાવ વેઠવો પડે છે અને બીજી તરફ નવા
પુસ્તકો પસ્તીમાં વેચાઈ રહ્યા છે. આ મામલે સઘન તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની
માગ ઉઠી છે.