• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

જામનગર : દુષ્કર્મના કેસમાં આરોપી ઉદ્યોગપતિ પોલીસના શરણે

પોલીસે બે મોબાઈલ કબજે કરી કોલ ડીટેઇલના આધારે તપાસ હાથ ધરી

જામનગર, તા.1ર: જામનગરમાં એક યુવતી સાથે ફાર્મ હાઉસમાં કેફી પ્રવાહી પીવડાવી દુષ્કર્મ ગુજારવાના અને બ્લેકમેઇલ કરવાના કેસમાં ફરાર ઉદ્યોગપતિ વિશાલ મોદી આખરે કાયદાના શરણે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ આરોપી ઉદ્યોગપતિ સિક્કા પોલીસ મથકમાં હાજર થયો હતો. જ્યાં પોલીસે તેમના બે મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.

જામનગરના અંબર સિનેમા વિસ્તારમાં રહેતી એક યુવતીને લોન મેળવવાના બહાને ખંભાળિયા હાઈવે રોડ પર આવેલા ભગવતી વિલા નામના ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવી હતી. યુવતીને નશાકારક પ્રવાહી પીવડાવી તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યુ હતું. આ ઉપરાંત આરોપીએ યુવતીનો વીડિયો ક્લિપ બનાવી લીધા બાદ તેને બ્લેકમેઇલ પણ કરી હતી. આ ચકચારી પ્રકરણમાં સિક્કા પોલીસ ઉદ્યોગપતિ વિશાલ મોદીની શોધ કરી રહી હતી. ધરપકડથી બચવા માટે આરોપી ઉદ્યોગપતિ વિશાલે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આગોતરા જામીન માટે અરજી કરી હતી. અદાલતે આગોતરા જામીન અરજી પર સુનાવણી દરમિયાન આરોપીને આગામી 10મી ડિસેમ્બરે તપાસનીશ પોલીસ અધિકારી સમક્ષ હાજર થવાનો આદેશ કર્યો હતો. હાઈકોર્ટના આદેશ અનુસાર આરોપી ઉદ્યોગપતિ વિશાલ મોદી સિક્કા પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. પોલીસે તેમનું નિવેદન નોંધ્યા બાદ તેમના અલગ અલગ બે મોબાઈલ ફોન કબજે કરી ફોનને એનાલિસિસ માટે લેબોરેટરી ખાતે મોકલી દીધા છે. પોલીસ દ્વારા તેની તમામ કોલ ડિટેલ સહિતની માહિતી એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત, બનાવના સ્થળના પંચનામા સહિતની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક