કુલ 11 કર્મચારીઓ સસ્પેન્ડ, તમામ ફરાર
ભાવનગર તા.11: ભાવનગર એસ.ટી.
વિભાગના એક સિક્યુરીટી ગાર્ડ સહિત સાત ડ્રાઇવર - કંડક્ટરોના દારૂ કાંડમાં નામ ખુલવા
પામતા એસ.ટી.ના વિભાગીય નિયામકે તાકીદે એક - હંગામી ડ્રાઈવરને ટર્મિનેટ કર્યો છે. જ્યારે
સાત કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા તેમજ પોલીસની તપાસ દરમિયાન વધુ ચાર
કર્મચારીઓના નામ વિભાગીય નિયામકને ગુપ્ત રાહે જાણ થતાં તેઓને સસ્પેન્ડ કરી દેવામાં
આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. હાલ તમામ
આરોપીઓ ફરાર છે.
ભાવનગર એસ.ટી. વર્કશોપમાં ગત સોમવારે ડ્રાઇવરો તેમજ કંડક્ટરના સામાન રાખવાના રૂમ તેમજ
બાથરૂમમાં નિલમબાગ પોલીસે દરોડા પાડતા સોથી વધુ નંગ વિદેશી દારૂ તેમજ બિયરની બોટલો
મળી આવતા એક સિક્યુરીટી ગાર્ડની ધરપકડ કરાઈ હતી. જેની કબૂલાતથી વધુ સાત ડ્રાઇવર અને
કંડક્ટરના નામ ખુલતા એસ.ટી.ના વિભાગીય નિયામકે એક હંગામી ડ્રાઇવરને ટર્મીનેટ તેમજ સાત
કર્મચારીને સસ્પેન્ડ કરી દીધા હતા. જ્યારે પોલીસ તપાસમાં વધુ ચાર કર્મચારીઓના નામ ગુપ્ત
રાહે પોલીસે વિભાગીય નિયામકને આપતા ચારેય કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. જેમાં
હેડ મિકેનિક નિકુલ કુવાડિયા, શિફ્ટ ઇન્ચાર્જ હરદેવાસિંહ ગોહિલ, મનીષભાઈ તેમજ મિકેનિક
હિરેન્દ્રાસિંહને સસ્પેન્ડ કરાયા છે. જો કે, આરોપી કિશને પોલીસને વધુ દસથી પંદર કર્મચારીઓના
નામ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.