એકાઉન્ટ ભાડે આપનારા સામે પણ
કાર્યવાહી કરાશે
જેતપુર, તા.12: જેતપુર શહેરમાં
લોકોને પૈસાની લાલચ આપી તેમના બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડના કાળા નાણાં ફેરવવા
માટે કરતા એક મોટા રેકેટનો જેતપુર સીટી પોલીસે પર્દાફાશ કર્યો છે. ભારત સરકારના સાયબર
ક્રાઈમ કોર્ડિનેશન સેન્ટર તરફથી મળેલા ઇનપુટના આધારે પોલીસે કાર્યવાહી કરી કુલ 14.30
લાખ રૂપિયાની છેતરાપિંડીના ગુનામાં 4 શખસોની ધરપકડ કરી છે, જ્યારે સુરતના 3 શખસોની
શોધખોળ હાથ ધરી છે.
સાયબર ફ્રોડના નાણાં મેળવવા માટે
એજન્ટો અને સબ-એજન્ટો મારફતે ખાતાધારકોને શોધતા હતા. તેઓ નજીવી રકમની લાલચ આપી લોકોના
બેંક એકાઉન્ટ, ચેકબુક અને એટીએમ કાર્ડ મેળવી લેતા હતા. ત્યારબાદ ફ્રોડના રૂપિયા આ ખાતામાં
જમા કરાવી, ચેક કે એટીએમથી ઉપાડી અથવા આંગડિયા મારફતે સગેવગે કરતા હતા.
પોલીસે જેતપુરના અજીમ ઇકબાલભાઇ
સોલંકી, મીત જગદિશભાઇ ગુજરાતી, ફેજાન ફારૂકભાઇ વાડીવાલા અને હર્ષ સુનીલભાઇ પરમારની
ધરપકડ કરી છે. જ્યારે જેતપુરના ગૌરવ ભટ્ટ તેમજ સુરતના મુસ્તકીમ અને તાઝીમ માલાણીને
વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી
કુલ 5 મોબાઈલ ફોન કબજે કર્યા છે, તમામ આરોપીઓ
વિરુદ્ધ ગુનો નોંધાયો છે.