• મંગળવાર, 03 માર્ચ, 2026

મણિનગરમાં યુથ કોંગ્રેસ પૂર્વ શહેર પ્રમુખે દારૂના નશામાં બે વાહનોને અડફેટમાં લીધા

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખના ભાણેજને લોકોએ મેથીપાક ચખાડયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.2 : અમદાવાદના મણિનગર વિસ્તારમાં રવિવારે રાત્રે ચિક્કાર દારૂના નશામાં એક નબિરાએ પોતાની કાર વડે અન્ય બે વાહનોને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જનાર અન્ય કોઈ નહીં પરંતુ યુથ કોંગ્રેસ પૂર્વ શહેર પ્રુમખ હોવાની ઓળખ થઈ હતી. ચાલક એટલી હદે નશામાં ધૂત હતો કે પૂછપરછ કરતા તે સરખી રીતે બોલી પણ શકતો નહતો અને લથડિયા ખાતો હતો. 

મણિનગર પોલીસ સ્ટેશન નજીક સિટી કોર્નર હોટલની બાજુમાં રાત્રે એક વર્ના કારે અન્ય ફોર વ્હીલર તથા એક સ્કૂટરને ટક્કર મારી હતી. બે વાહનોને અડફેટમાં લેનાર કાર ચાલક વિશાલ મહેન્દ્રભાઈ ગુર્જર હોવાનું જણાયું હતું. વિશાલ અમદાવાદ યુથ કોંગ્રેસનો પૂર્વ પ્રમુખ રહી ચૂક્યો છે. આ ઉપરાંત તે અમદાવાદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને શહેર પ્રમુખ હિંમતાસિંહ પટેલનો ભાણિયો થાય છે. વિશાલની સફેદ કલરની કારના કાચ સંપૂર્ણ કાળા હતા અને અંદરથી એનએસયુઆઈની પ્લેટ પણ મળી આવી હતી. 

રામબાગ બીઆરટીએસ પાસે સિટી કોર્નર હોટેલ સામે અકસ્માત થતા લોકોનું ટોળું એકત્ર થયું હતું. લોકોએ વિશાલને બહાર કાઢીને મેથીપાક પણ ચખાડયો હતો. થોડીવારમાં મણિનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. જે ડિવિઝન ટ્રાફિક પોલીસે મોટર વ્હીકલ એક્ટ તથા પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધીને ચાલકની ધરપકડ કરીને આગળ કાર્યવાહી કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક