રત્નકલાકાર પતિએ દારૂની મહેફિલ બાદ પત્નીને મિત્રોના હવાલે કરી
પોલીસે
પતિ સહિત ત્રણની ધરપકડ, અન્ય એક આરોપીની શોધખોળ શરૂ
સુરત,
તા. 16 : સુરતના કાપોદ્રા વિસ્તારમાં પ્રેમલગ્ન કરનાર એક પરિણીતા સાથે તેના જ પતિ અને
મિત્રોએ મળીને આચરેલા સામૂહિક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.
જેમાં હીરાના કારખાનામાં કામ કરતા રત્નકલાકાર પતિએ દારૂના નશામાં ભાન ભૂલી પોતાની પત્નીને
જ મિત્રોના હવાલે કરી દીધી હતી. પરિણીતાએ આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા
પોલીસે આ મામલે ચારેય આરોપીઓ દુષ્કર્મનો ગુનો નોંધી વિરુદ્ધ ગેંગરેપનો ગુનો નોંધી તપાસના
ચક્રો ગતિમાન કર્યા છે.
ભોગ
બનનાર પરિણીતાએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, તેણે અમરેલીના
બગસરાના વતની એવા સંજય મનસુખભાઈ ગજેરા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. કાપોદ્રાની લક્ષ્મણ
નગર સોસાયટી પાસે ભાડાના મકાનમાં રહેતા હતા. પતિ હીરા ઘસવાનું કામ કરતો હતો. જોકે,
તેની સાથે કામ કરતા તેના ત્રણ મિત્રો અજય, જગો અને ચિરાગ પણ અવારનવાર ઘરે આવતા અને
ત્યાં જ રોકાતા હતા. મે-2025માં એક રાત્રે તેના પતિએ ત્રણ મિત્રો અજય, જગો અને ચિરાગ
સાથે મળી ઘરમાં જ દારૂની મહેફિલ જમાવી હતી. નશામાં દૂત પતિ અને તેના મિત્રોએ પરિણીતા
સાથે ગાળાગાળી કરી મારઝૂડ શરૂ કરી હતી. નરાધમોએ બળજબરીથી પરિણીતાના કપડાં ઉતારી નાખ્યા
હતા અને પતિની હાજરીમાં જ તેના ત્રણેય મિત્રોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું અને
પતિ પણ આમા સામેલ થયો હતો. આ કૃત્ય બાદ આરોપીઓએ ધમકી આપી હતી કે, જો કોઈને મોઢું ખોલ્યું
છે તો તારી લાશ પણ નહીં મળે. આ ઘટના બાદ પણ
પરિણીતા સમાજના ડરે મૂંગા મોઢે અત્યાચાર સહન કરતી રહી, પરંતુ પતિની હેવાનીયત અહીં જ
ન અટકી. તે અવારનવાર તેના મિત્રો સાથે શારીરિક સંબંધ બાંધવા પત્ની પર દબાણ કરવા લાગ્યો
હતો. અંતે કંટાળેલી પરિણીતાએ ઘર છોડી દીધું હતું અને હિંમત કરી કાપોદ્રા પોલીસ મથકમાં
ફરિયાદ નોંધાવી હતી.
કાપોદ્રા
પોલીસ મથકના પી.આઈ એમ.બી.ઔસુરા પાસેથી મળતી માહિતી મુજબ પીડિતાની ફરિયાદના આધારે ગુનો
દાખલ કરવામાં આવ્યો છે. મેડિકલ તપાસ અને અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી ચાલુ
છે. અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી અને પતિ સંજય ગજેરા અને તેના મિત્ર જીગો અને ચિરાગની
ઘરપકડ કરવામાં આવી છે જ્યારે અજય નામના ફરાર આરોપીની શોધખોળ ચાલી રહી છે.