ચોટીલા, તા.17:રાજકોટ રેન્જ આઈજીની ટીમે ચોટીલા પાસે ઓપરેશન પાર પાડીને અંદાજે રૂ. 1.28 કરોડનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડયો છે. લોધિકામાં જખઈના દરોડા બાદ એક્શનમાં આવેલી રેન્જ આઈજીની ટીમે બાતમીના આધારે ચોટીલા-અમદાવાદ નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી. જાનીવડલા અંડરપાસ પાસે ગાત્રાલ હોટલ નજીકથી પસાર થતા ટ્રકને અટકાવી તપાસ કરતા તેમાંથી 10,740 બોટલ દારૂ મળી આવ્યો હતો.
પોલીસે
ઘટનાસ્થળેથી ટ્રક ચાલક શાહિદ ઉર્ફે જુસબ હિંગોરાની ધરપકડ કરી છે. પૂછપરછમાં ખુલાસો
થયો છે કે આ દારૂનો જથ્થો હરિયાણા તરફથી આવ્યો હતો અને દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં
સપ્લાય કરવાનો હતો. પોલીસે દારૂ, ટ્રક અને અન્ય સાધન-સામગ્રી મળીને કુલ રૂ. 1.46 કરોડથી
વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
તપાસ
દરમિયાન જાણવા મળ્યું છે કે, ભાણવડના કુખ્યાત બુટલેગર ચના રબારીએ આ જથ્થો મગાવ્યો હતો
અને ડ્રાઈવરને ટ્રક લેવા માટે ખાસ મધ્યપ્રદેશ બોર્ડર મોકલ્યો હતો. હાલ પોલીસે ચના રબારી,
ટ્રક માલિક અને સપ્લાયર સહિત ચાર શખસને વોન્ટેડ જાહેર કર્યા છે. ચોટીલા પોલીસ મથકમાં
ગુનો નોંધીને આ આખું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં
આવી છે.