બેંગ્લુરુના બોલર્સ-બેટર્સ પર અંકુશ મુકવાનો દિલ્હી કેપિટલ્સ સામે પડકાર
બેંગ્લુરુ,
તા.17: આઇપીએલમાં શનિવારે ડબલ હેડર છે. પહેલા મેચમાં વર્તમાન ચેમ્પિયન અને દરેક વિભાગમાં
શાનદાર દેખાવ કરી રહેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનો સામનો દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ
થશે. આ ટીમ સારી શરૂઆત પછી વિજયક્રમ જાળવી શકી નથી.
આરસીબીની
બેટિંગ હવે પૂરી રીતે વિરાટ કોહલી પર નિર્ભર રહી નથી. કોહલી તો શાનદાર દેખાવ કરી રહ્યો
જ છે. સાથોસાથ કપ્તાન રજત પાટીદાર, દેવદત્ત પડીક્કલ, ફિલ સોલ્ટ અને ટિમ ડેવિડ આ સીઝનમાં
તોફાની બેટિંગ કરી રહ્યા છે. આરસીબીનું આ બેટિંગ યુનિટ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ પણ
શાનદાર પ્રદર્શન ચાલુ રાખવા માગશે. બીજી તરફ દિલ્હીના બોલર્સ ખાસ કરીને બે અનુભવી સ્પિનર
અક્ષર પટેલ અને કુલદીપ યાદવ સામે આરસીબીના બેટિંગ પાવર હાઉસનો ફયૂસ ઉડાવવા વિશેષ દેખાવ
કરવો પડશે.
આરસીબી
ટીમ હાલ પ મેચમાં 8 અંક સાથે પોઇન્ટ ટેબલ પર બીજા સ્થાને છે જ્યારે દિલ્હી 4 મેચમાં
2 જીત અને 2 હારથી પ નંબર પર છે. આરસીબી સામે દિલ્હી કેપિટલ્સે જો જીત હાંસલ કરવી હશે
તો તેના બેટિંગ યુનિટે સારો દેખાવ કરવો પડશે. ખાસ કરીને પાવર પ્લેમાં અને ડેથ ઓવર્સમાં
કારણ કે આરસીબીનું બોલિંગ આક્રમણ જોશ હેઝલવૂડની આગેવાનીમાં ઘણું મજબૂત છે.