ખરડો પસાર કરાવવા જરૂરી બે તૃતિયાંશ મત ન મળ્યા, ખરડાની તરફેણમાં 298 અને વિરોધમાં 230 મત પડ્યા : અન્ય બે ખરડા પણ સરકારે આગળ ન વધાર્યા
ખરડો
પસાર ન થયા બાદ એનડીએના મહિલા સાંસદોનું સંસદ
પરિસરમાં વિપક્ષ સામે પ્રદર્શન : આજથી ઈન્ડિ બ્લોકના નેતાઓના ઘરની બહાર કાર્યકરો વિરોધ
પ્રદર્શન કરશે
કોંગ્રેસને
ચૂંટણીના મેદાનમાં માતાઓ-બહેનોના આક્રોશનો સામનો કરવો પડશે : અમિત શાહ
સરકાર
સીમાંકનથી ચૂંટણીનો નકશો બદલવા માગે છે : રાહુલ ગાંધી
નવી
દિલ્હી, તા. 17 : લોકસભાના વિશેષ સત્રમાં મહિલા
અનામત બિલ એટલે કે 131મા બંધારણીય સુધારા વિધેયક ઉપર બે દિવસ સતત ચાલેલી ચર્ચા બાદ
શુક્રવારે મતદાન થયું હતું અને તેમાં સરકારને પુરતા મત ન મળતા ખરડો લોકસભામાંથી પસાર
થઈ શક્યો નહોતો. કુલ 298 સાંસદોએ તરફેણમાં અને 230 સાંસદે ખરડાના વિરોધમાં મતદાન કર્યું
હતું. કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી દળોએ આ ખરડાને સમર્થન ન આપતા લોકસભામાં ખરડો પસાર
કરાવી શકાયો ન હતો. ગૃહમાં વર્તમાન સાંસદોની સંખ્યાના હિસાબે બિલ પસાર કરાવવા માટે
બે તૃતિયાંશ એટલે કે 352 મતની દરકાર હતી, જે મળી શક્યા નહોતા. આ રીતે સંસદ અને રાજ્ય
વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત 2029ની લોકસભા ચૂંટણીથી લાગુ કરવા સંબંધિત ખરડાને
બ્રેક લાગી છે. સરકારે વિધેયક સાથે સીમાંકન વિધેયક, 2026 અને સંઘ રાજ્ય વિધિ(સંશોધન)
વિધેયક, 2026ને પણ સદનમાં ચર્ચા અને પસાર કરાવવા રાખ્યું હતું પણ બાદમાં બન્ને ખરડા
આગળ વધાર્યા નહોતા.
મહિલા
અનામત ખરડો લોકસભામાંથી પસાર ન થયા બાદ ભાજપ અને એનડીએના મહિલા સાંસદોએ વિપક્ષ સામે
સંસદના મકર દ્વારથી વિરોધ પ્રદર્શન કર્યું હતું. હવે ભાજપ અને એનડીએમાં સામેલ દળોના
કાર્યકર્તા આવતીકાલથી ઈન્ડિ ગઠબંધન સંબંધિત પક્ષોના નેતાઓની ઘરની બહાર પ્રદર્શન કરશે.
આ અગાઉ
ચર્ચા દરમિયાન પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે તકરાર અને તર્કવિતર્ક જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીએ આરોપ મુક્યો
હતો કે સરકાર ખરડા મારફતે ચૂંટણીનો નકશો બદલવા માગે છે તેમજ સરકારને પોતાની તાકાત ઘટવાનો
ડર છે તેમ પણ કહ્યું હતું. બીજી તરફ ગૃહ મંત્રી અમિત શાહે ખરડા ઉપર ચર્ચાનો જવાબ આપતા
કહ્યું હતું કે, વિપક્ષ દ્વારા સીમાંકનને સતત લટકાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ મહિલા
અનામતનો વિરોધ કરી રહી છે અને લાંબા સમયથી મહિલા અનામત લાગુ થવા દઈ રહી નથી. આ બિલ
પસાર થશે નહી તે ખ્યાલ છે, સંસદમાં વિપક્ષ હંગામા કરીને બચી જશે પણ ચૂંટણીના મેદાનમાં
કોંગ્રેસને માતાઓ-બહેનોના આક્રોશનો સામનો કરવો પડશે.
અમિત
શાહે લોકસભામાં ચર્ચાનો જવાબ આપતા કહ્યું હતું કે કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગણ, તમિલનાડુ
અને કેરળ આ પાંચ રાજ્યોની 543 સંસદીય સીટમાં વર્તમાન ભાગીદારી 129 સીટની છે, જે 23.76
બને છે. 50 ટકા સીટની વૃદ્ધિ બાદ જ્યારે રાજ્યોને નવી સીટ મળશે તો સંખ્યા 129થી વધીને
195 થશે. જે 816 સીટમાં 23.87ને બરાબર રહેશે. શાહે આ સાથે ભાર મુકીને કહ્યું હતું કે
આ પ્રક્રિયામાં કોઈપણ રાજ્યને નુકસાન થશે નહી.
ગૃહ
મંત્રી અમિત શાહે કોંગ્રેસ ઉપર સીમાંકન લટકાવીને રાખવાનો આરોપ મુક્યો હતો અને કહ્યું
હતું કે, 50 વર્ષની જનતાને આબાદીની તુલનાએ પોતાના પ્રતિનિધિ મળ્યા નથી. વિપક્ષ મહિલા
અનામતનો વિરોધ કરી રહ્યો છે. ચૂંટણીમાં વિપક્ષને માતાઓ-બહેનોના આક્રોશનો સામનો કરવો
પડશે અને રસ્તો પણ નહી મળે.
કેન્દ્રીય
ગૃહ મંત્રીએ વિપક્ષ ઉપર નિશાન તાકતા કહ્યું હતું કે દેશને ઉત્તર-દક્ષિણ અથવા પુર્વ-પશ્ચિમ
જેવા નેરેટિવના આધારે વહેંચવો ન જોઈએ અને તમામને આવી વાતથી ઉપર ઉઠવું જોઈએ. તેમણે કહ્યું
હતું કે સંસદમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સમાન અધિકાર છે અને દેશની
એકતા અને અખંડતાને જાળવી રાખવી સૌથી મહત્વપુર્ણ છે.
વિપક્ષ
દ્વારા 50 ટકા સીટ વધારવાની ખાતરીની વાત કરવામાં આવતા અમિત શાહે તરત કહી દીધું હતું
કે સંસદને એક કલાક સુધી સ્થગિત કરવામાં આવે તો તેઓ સત્તાવાર વટહુકમ લઈને આવશે. અમિત
શાહે આગળ કહ્યું હતું કે, તેઓ સમજી રહ્યા છે
કે વિપક્ષ સમર્થન નહી કરે અને બિલ પસાર થવાનું
નથી પણ દેશની મહિલાઓ જોઈ રહી છે કે તેમના રસ્તામાં અડચણ કોણ છે. સંસદમાં હંગામો કરીને
બચી જવાશે પણ ચૂંટણીના મેદાનમાં મહિલાઓ જવાબ આપશે. મુસ્લિમ મહિલાઓને અનામતના સવાલ ઉપર
શાહે કહ્યું હતું કે, બંધારણમાં ધર્મના આધારે અનામતની જોગવાઈ નથી અને ભાજપ બંધારણને
અનુરૂપ કાર્યવાહી કરે છે. માત્ર તુષ્ટિકરણના કારણે ઈન્ડિ ગઠબંધન ધર્મના આધારે અનામત
લાવવા માગે છે.
વિપક્ષ
ઉપર વધારે પ્રહાર કરતા શાહે ઓબીસીનો મુદ્દો ઉઠાવીને કહ્યું હતું કે, કોંગ્રેસની સરકારે
ક્યારેય ઓબીસી ઉપર ધ્યાન આપ્યું નથી પણ હવે 20-25 ચૂંટણી હારી ગયા બાદ ઓબીસી યાદ આવ્યા
છે અને તેઓનું હિત ઈચ્છતા હોવાનું નાટક કરે છે. 1947થી 2014 સુધી ઓબીસીનો વિરોધ કરવામાં
આવ્યો છે પણ ભાજપે ઓબીસીને પીએમ બનાવ્યા છે.
શાહે
કહ્યું હતું કે પાંચ વખત કોંગ્રેસે મહિલા અનામત બિલને પસાર થવા દીધું નથી. હવે તેઓ
ચુંટણીમાં જશે તો માતાઓ અને બહેનોના આક્રોશનો સામનો કરશે. ભાજપે મહિલા સશક્તિકરણનું
પાલન કર્યું છે. આ સાથે શાહે સુષ્મા સ્વરાજ, ઉમા ભારતી, વસુંધરા રાજે, આનંદીબેન પટેલ
વગેરેના નામ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ તમામ પોતાના રાજ્યમાં પહેલા મહિલા મુખ્યમંત્રી
બન્યા છે. એક આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મૂને મહામહિમ દ્રૌપદી મુર્મૂ બનાવ્યા છે.
વિપક્ષ
સારૂ ખરાબ વિચાર્યા વિના નરેન્દ્ર મોદી જે કરે છે તેનો વિરોધ કરે છે. શાહે સીમાંકન
મુદ્દે સમજાવતા કહ્યું હતું કે, પ્રતિનિધિઓની સામે આબાદીનું સંતુલન નથી. ક્યાંક 40
લાખની આબાદી ઉપર એક નેતા છે તો ક્યાંક 20 લાખ ઉપર એક નેતા છે. તેવામાં સીમાંકન થતા
નેતાઓની સંખ્યા વધશે અને કામગીરીનું ભારણ પણ ઓછું થશે.
આ અગાઉ
રાહુલ ગાંધીએ લોકસભામાં સંબોધન કરતા કહ્યું હતું કે ભાજપના મગજમાં અસમંજસ છે. તેઓ વિચારે
છે કે તેઓ ભારતના લોકો છે, ભારતની સેના છે પણ તેઓ ભારતના લોકો નથી. આ સાથે રાહુલે કહ્યું
હતું કે તેઓ બિલ પસાર થવા દેશે નહી. રાહુલે આરોપ મુક્યો હતો કે સરકાર પોતાની શક્તિ
ઘટશે તેનાથી ડરી રહી છે. એનડીએ માટે સંવિધાન મનુવાદ છે. સરકારને હકીકત સારી લાગતી નથી.
આ બિલ મારફતે સરકાર ચૂંટણીનો નકશો બદલવાની કોશિશ કરી રહી છે. પીએમ સંદેશ આપવા માગે
છે કે તેઓ મહિલા સમર્થક છે, બાલાકોટના જાદુગર, બાલાસોરના જાદુગર, ઓપરેશન સિંદૂરના જાદુગર
છે. રાહુલની આ વાત ઉપર જોરદાર હંગામો થયો હતો.
આ દરમિયાન
સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ વાંધો ઉઠાવતા કહ્યું હતું કે દેશની 140 કરોડ આબાદીએ
વડા પ્રધાન બનાવ્યા છે. વિપક્ષના નેતાને આવી ભાષા શોભા દેતી નથી. રક્ષા મંત્રી રાજનાથ
સિંહે રાહુલની નિંદા કરી હતી અને કહ્યું હતું કે રાહુલ કોઈ વ્યકિતનું અપમાન કરી શકે
નહી. તેઓ દેશની જનતાનું અપમાન કરી રહ્યા છે.