• બુધવાર, 03 જૂન, 2026

અમરેલીમાં 24 કલાકમાં અપમૃત્યુના ચાર બનાવ

અમરેલી તા.2 : અમરેલી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર જેટલા અપમૃત્યુ પોલીસ ચોપડે નોંધાતા સ્થાનિક પોલીસ દ્વારા ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોટી કુંકાવાવ ગામે બગસરા રોડ ઉપર ભીમરાવ નગર વિસ્તારમાં રહેતી નયનાબેન કિશોરભાઇ વિરાણી નામની 23 વર્ષીય યુવતિએ ગત તા.31ના રોજ કોઇપણ અગમ્ય કારણોસર પોતાની મેળે ઘઉમાં નાખવાનો ઝેરી પાઉડર પી જતા તેણીનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે.

બાબરાના અમરાપરા વિસ્તારમાં રહેતા ગુંજનકુમાર પ્રવિણભાઇ ચૌહાણ નામના 38 વર્ષીય યુવક ગત તા.31ના બપોરના આશરે ચારેક વાગ્યાના અરસામા પોતાના ઘરે પલંગ ઉપર સુઇ ગયા હતા, તે દરમ્યાન કોઇ ઝેરી જીવજંતુ (સાપ) કરડવાથી તેમનું મૃત્યુ નિપજયું છે.

અમરેલીના બટારવાડી વિસ્તારમાં રહેતા હરેશભાઇ ધનજીભાઇ કાબરીયા નામના 57 વર્ષીય આધેડને માનસિક રોગની બીમારી હોય જે બીમારી સબબ સારવારમાં દાખલ થતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજયાનું પોલીસમાં જાહેર થવા પામ્યું છે.

મુળ લાઠી તાલુકાના માલવીયા પીપરીયા ગામના વતની અને હાલ લાઠી ગામે કુંડીવાડી વિસ્તારમાં વલ્લ્લભાઇ ડોબરીયાના ભાડાના મકાનમાં રહેતા ભીખાભાઇ ઠાકરશીભાઇ લાઠીયા નામના 72 વર્ષીય વૃદ્ધ બીમારીના કારણે કંટાળી જઇ ગત તા.1 ના બપોરના આશરે ત્રણેક વાગ્યે ગળાફાંસો ખાઇ જતા મૃત્યુ નિપજયું છે. 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક