ઉના, તા.1: ઉના તાલુકાના ચીખલી ગામે સોમવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામમાં બાઈક બાબતે થયેલી સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતાં પાંચથી વધુ શખસોએ એક યુવક પર જાહેરમાં જીવલેણ હુમલો કરી તેની કરપીણ હત્યા નીપજાવી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ચીખલી ગામમાં
એક દુકાન પાસે અક્ષય મોહનભાઈ મકવાણા (ઉં.વ. 23) નામનો યુવક બેઠો હતો. તે સમયે મોટરસાઈકલ
પર પાંચથી વધુ શખસો ત્યાં આવી પહોંચ્યા હતા અને અક્ષય સાથે કોઈ બાબતે બોલાચાલી શરૂ
કરી હતી. વાત એટલી વધી ગઈ કે આ શખસો અક્ષય પર છરી જેવા ઘાતક હથિયારો વડે તૂટી પડયા
હતા. હુમલાખોરો સામે અક્ષયે બચાવ માટે પ્રતિકાર પણ કર્યો હતો, પરંતુ ગંભીર ઈજાઓ થવાના
કારણે તે લોહીલુહાણ હાલતમાં રોડ પર ઢળી પડયો હતો અને તેનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ
નીપજ્યું હતું. ભરબપોરે ગામના ચોકમાં થયેલા આ હિચકારા હુમલાને પગલે સ્થાનિક લોકોમાં
નાસભાગ મચી ગઈ હતી અને ઘટનાસ્થળે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. આ અરેરાટીભરી ઘટનાથી
નાનકડા ગામમાં સનાટો વ્યાપી ગયો છે અને ભયનો માહોલ છવાયો છે. ઘટનાને અંજામ આપીને તમામ
હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
બનાવની જાણ થતાં જ નવાબંદર પોલીસનો
કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ઉનાની
સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે અને ગુનો નોંધી હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન
કર્યા છે. મૃતક અક્ષય વ્યવસાયે માછીમાર હતો અને દરિયામાં બોટ લઈને માછીમારી કરવા જતો
હતો. હાલમાં જ માછીમારીની સિઝન પૂરી થતાં તે પોતાના વતન ચીખલી પરત ફર્યો હતો, ત્યાં
જ આ કાળમુખી ઘટના ઘટી હતી. હાલ નવાબંદર પોલીસ દ્વારા હત્યા પાછળનું ચોક્કસ અને સાચું
કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.