• બુધવાર, 03 જૂન, 2026

વાંકાનેરમાં પઠાણી ઉઘરાણી કરતા 3 વ્યાજખોરની ધરપકડ

મજૂરોને ચૂકવવા અને ભાઇની સારવાર માટે લીધેલા નાણાનું 120 ટકા સુધીનું વ્યાજ વસૂલ્યું

મોરબી, તા.2 : વાંકાનેર તાલુકા પોલીસે મની લેન્ડ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરીને લાયસન્સ વગર ઊંચા વ્યાજદરે નાણાં ધીરધાર કરી પઠાણી ઉઘરાણી કરતા ત્રણ ઇસમને ગણતરીનાં કલાકોમાં પકડી પાડયા છે.

રાતાવીરડા ગામે લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા પ્રવીણભાઈ હરખાભાઇ ઉકેડિયાએ મજૂરોને ચૂકવવા અને ભાઈની સારવાર માટે અલગ-અલગ આરોપીઓ પાસેથી ઊંચા વ્યાજદરે નાણાં લીધા હતા. જેમાં તેમણે અજય રમેશભાઇ અબાસણિયા પાસેથી રૂ. 3,00,000 અલગ-અલગ સમયે 30%, 35% અને 120% જેવા મસમોટા વ્યાજદરે લીધા હતા, જેની સામે રૂ. 30 લાખ ચૂકવી દીધા હોવા છતાં આરોપીએ બળજબરીથી રૂ. 5 લાખ પડાવી લીધા હતા. આ જ રીતે બીજલ ઉર્ફે ભોજાભાઇ બેચરભાઇ ગીંગોરા પાસેથી માસિક 35% વ્યાજે રૂ. 1,50,000 લીધા હતા, જેની સામે 5 લાખ ચૂકવી દીધા હોવા છતાં આરોપીએ વધુ રૂ. 1,20,000ની માગણી કરી રૂ. 98,681 ની કિંમતનું નવું સ્પ્લેન્ડર બાઇક બળજબરીથી પડાવી લીધું હતું જ્યારે ત્રીજા આરોપી હિતેશ મગનભાઇ પટેલે ફરિયાદીનાં પત્નીના બેન્કમાં ગીરો પડેલા સાડા ત્રણ તોલા સોનાના દાગીના છોડાવવા રૂ. 3,56,000 આપ્યા બાદ, પાછળથી ઊંચું વ્યાજ વસૂલવા માટે તે દાગીના પોતે પડાવી લીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ. 8,00,000 ની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. આ અંગે ભોગ બનનારે ફરિયાદ નોંધાવતા ત્રણેયની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 98,000ની કિંમતનું મોટરસાયકલ અને રૂ. 3,00,000ની કિંમતની સ્વિફ્ટ કાર મળીને કુલ રૂ. 3,98,000નો મુદ્દામાલ કબજે કર્યો છે અને ગીરવે મૂકેલા અન્ય દાગીના મેળવવા માટે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક