બાંધકામ સાઇટ એરફોર્સની પ્રતિબંધિત જગ્યામાં હોવા છતાં લોખંડ કઇ રીતે ચોરાયું ?
ખંભાળિયા,
તા.2: ખંભાળિયા નજીક જામનગર રોડ પર આવેલી એરફોર્સની જગ્યામાં બાંધકામ ચાલતું હોય તેની
સાઇટ પર પડેલા લોખંડમાંથી રૂ.15 લાખની કિંમતના 25 હજાર કિલો લોખંડની કોઈ ઉઠાંતરી કરી
જતા બનાવે ચર્ચા જગાવી છે.
ફરિયાદ
અનુસાર એરફોર્સની સાઇટ પર ગુરુમુમદાસ કન્ટ્રક્શન પ્રાઇવેટ લિ. કંપની દ્વારા બાંધકામ
થતું હોય તેના માટે બાર એમ.એમ.થી 32 એમ.એમ.ની સાઇઝનું લોખંડ રાખવામાં આવેલું હતું.
જેમાંથી 25 હજાર કિલો લોખંડ રાત્રીના સમયે ચોરી થઈ ગયું હતું. કંપનીના પ્રોજેકટ મેનેજર
સંજીવકુમાર મંડલ, સુધાકર મંડલ દ્વારા પોલીસમાં ફરિયાદ કરતા પી.આઇ. સી.આર.રાણા દ્વારા
તપાસ હાથ ધરવામાં આવી છે. એરફોર્સની જગ્યા પ્રતિબંધીત પ્રવેશબંધી વાળો વિસ્તાર છે.
જેના તમામ ગેઇટ પર 24 કલાક ચોકી પહેરો હોય છે ત્યારે 25 હજાર કિલો જેટલું લોખંડ અને
તે પણ લાંબા સળિયા જે કોઇ વાહનમાં ભરીને તસ્કરો ઉઠાવી ગયા તે જથ્થો કયાં સ્થળેથી તસ્કરો
ઉપાડી ગયા ? તે પણ ચર્ચા અને તપાસનો મુદ્દો છે. પોલીસ દ્વારા હાઇવે પર નજીકના, ટોલ
ગેટના સી.સી.ટી.વી. તથા નજીકના વિસ્તારના લોકો દુકાનદારોની પૂછપરછ કરીને તપાસ હાથ ધરી
છે.