• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

વડોદરાના બેન્ક મેનેજર સાથે 12.80 લાખની ‘સાયબર’ ઠગાઈ

સોશિયલ મીડિયા પર બનાવટી વીડિયો બતાવી ઠગાઈ : નાણામંત્રીનાં નામે ક્વોન્ટમ અઈં સ્કીમમાં રોકાણની લાલચ આપી 

વડોદરા, તા.16 : વડોદરામાં સોશિયલ મીડિયા પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનો બનાવટી વીડિયો વાયરલ કરી શેરબજારની ક્વોન્ટમ અઈં સ્કીમમાં રોકાણ કરવાથી રોજની મોટી કમાણી થવાની લાલચ આપી સાયબર ઠગોએ એક ખાનગી બેન્કના આસિસ્ટન્ટ મેનેજર સાથે રૂ. 12.80 લાખની છેતરાપિંડી આચરી હોવાની ગંભીર ઘટના સામે આવી છે.

   સનફાર્મા રોડ પર રહેતા અને 18 વર્ષથી ખાનગી બેન્કમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા યુવક ગત 15 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા પર ન્યૂઝ ચેનલના એન્કર દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમણનો વીડિયો નિહાળી રહ્યા હતા, જેમાં રૂ. 22 હજારના રોકાણથી લાખોની કમાણીની જાહેરાત જોઈ લિંક પર વિગતો ભરી હતી. ત્યારબાદ અલી નામના શખસ તથા અન્ય ભેજાબાજોએ એપ્લિકેશન કોલ અને ટેલિગ્રામ મારફતે સંપર્ક કરી સાઉદીમાં ક્રૂડ ઓઇલના રોકાણમાં નફો અપાવવાની ખોટી બાંહેધરી આપી અલગ-અલગ બેન્ક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૂ. 12,80,000 પડાવી લીધા હતા. એપ્લિકેશનમાં નફાની મોટી રકમ દેખાડી વિશ્વાસ કેળવ્યા બાદ જ્યારે રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે બેલેન્સ શૂન્ય દેખાયું હતું અને વધુ રૂ. 7 લાખની માંગણી કરવામાં આવી હતી. આ અંગે ભોગ બનનાર મેનેજરે 1930 હેલ્પલાઇન પર જાણ કરી વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને સઘન તપાસ શરૂ

કરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક