સુરકાના
ઢાળ પાસે ટ્રકની બ્રેક ફેલ થતાં ગોઝારો અકસ્માત સર્જાયો
ભાવનગર,
તા.7 : શહેરના સુરકાના ઢાળ પાસે ટાણા તરફથી આવી રહેલા ટ્રકનો બ્રેક ફેલ થતાં ગોઝારો
અકસ્માત સર્જાયો હતો. આશરે 30થી 40 ટન લોખંડના સળિયા તથા અન્ય સામાન ભરેલો ટ્રક ઢાળ
ઉતરતી વખતે અચાનક બેકાબૂ બન્યો હતો. ડ્રાઇવરે કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ
ટ્રક રહેણાક મકાન અને કોમ્પ્લેક્સમાં આવેલી ભંગાર તથા હોસ્પિટલની દુકાનોમાં ધડાકાભેર
ઘૂસી ગયો હતો.
અકસ્મતમાં
ગારીયાધારના રહેવાસી ટ્રક ડ્રાઇવર રાજુભાઈ જગમાલભાઈ પરમાર (ઉં.વ. 26) કેબિનમાં લોખંડના
સળિયા નીચે દબાઈ ગયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. ટ્રકમાં ક્લીનર
તરીકે સવાર બુઢણાના જીતેન્દ્રાસિંહ મોરી ગંભીર રીતે ઘવાયા હતા. સ્થાનિકોએ તેમને બહાર
કાઢી સિહોર સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે ભાવનગરની સર ટી.
હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો
દોડી આવ્યા હતા. બે ક્રેન અને નગરપાલિકાના જેસીબી સહિત ત્રણ જેસીબીની મદદથી પોલીસ,
નગરપાલિકા કર્મચારીઓ અને સ્થાનિકોએ સતત સાત કલાકની મહેનત બાદ ડ્રાઇવરનો મૃતદેહ બહાર
કાઢ્યો હતો. મૃતદેહને પી.એમ. માટે હોસ્પિટલ ખસેડાયો હતો. સદનસીબે મકાન અને દુકાનોમાં
રહેતા લોકોને કોઈ જાનહાનિ થઈ નહોતી.