• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

જ્ઞાનેશનાં રાજીનામાથી પણ આંદોલન નહીં અટકે : કોકરોચ

કેન્દ્રીય મંત્રી આઠવલેએ કહ્યું, ગમે તે કરો, મુખ્ય ચૂંટણી કમિશનરનું રાજીનામું નહીં થાય

નવી દિલ્હી, તા.7: મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમારનાં રાજીનામાની માગણી સાથે આંદોલન ચલાવી રહેલા કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ હવે સ્પષ્ટ કરી દીધું છે કે, જ્ઞાનેશ કુમારનાં રાજીનામા બાદ પણ આ આંદોલન ચાલુ રાખવામાં આવશે. બીજીબાજુ એનડીએ સરકારનાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું હતું કે, સીજેપીનાં પ્રયાસો બાદ પણ જ્ઞાનેશ કુમારનું રાજીનામુ થવાનું નથી.

સીજેપીનાં સહસંયોજક આશુતોષ રાંકાએ કહ્યું હતું કે, જ્ઞાનેશનું રાજીનામુ તેનું એકમાત્ર લક્ષ્ય નથી. રાજીનામા બાદ પણ આંદોલન જારી રહેશે અને ત્યાં સુધી ચાલતું રહેશે જ્યાં સુધી તેની ત્રણેય માગ પૂરી નહીં કરવામાં આવે. રાંકાએ સીજેપીની અન્ય બે માગણી દોહરાવતા કહ્યું હતું કે, સર પૂર્વેની મતદાર યાદી લાગુ કરવા અને ચૂંટણી કમિશનરની નિયુક્તિની પ્રક્રિયામાં બદલાવની માગણી પૂરી થયા બાદ જ આંદોલન પૂરું થશે.

જો કે કેન્દ્રીય મંત્રી આઠવલે દ્વારા  સીજેપીની નિવેદનબાજી અને આંદોલનની ચીમકીઓ સામે પ્રતિક્રિયા આપતા કહેવામાં આવ્યું હતું કે, જે કરવું હોય તે ભલે કરે પણ જ્ઞાનેશ કુમારનું રાજીનામું થવાનું નથી. તેમણે આગળ કહ્યું હતું કે, અભિજીત દીપકે દલિત સમાજમાંથી આવે છે. તેમણે મુંબઈમાં પણ પ્રદર્શન કર્યુ હતું. તેમને મારી સલાહ છે કે, નીટ પેપર લીક મુદ્દે તેમની પાર્ટી ઉભી થઈ હતી અને હવે તેમણે ફરીથી જ્ઞાનેશ કુમારનાં રાજીનામા માટે આંદોલન કરવાની જરૂર નહોતી.     

ઇ-પેપરના નવા શુલ્ક