• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

પ્રારંભિક ધબડકા બાદ ન્યુઝીલેન્ડના 5 વિકેટે 243 : નિકોલ્સ-ફિલિપ્સ તારણહાર

70 રનમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ છઠ્ઠી વિકેટમાં 173 રનની અતૂટ ભાગીદારી : નિકોલ્સની અણનમ સદી અને ફિલિપ્સના 94* રન: બુમરાહની 3 વિકેટ

વેલિંગ્ટન તા.19: બેસિન રિઝર્વની ઝડપી બોલરોને મદદ કરતી પિચ પર પ્રારંભિક ધબડકા બાદ ભારત સામેના પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ન્યુઝીલેન્ડ ટીમ વાપસી કરવામાં સફળ રહી હતી. હેનરી નિકોલ્સની અણનમ સદી (113) અને ઇન ફોર્મ બેટર ગ્લેન ફિલિપ્સના અણનમ 94 રનની મદદથી પહેલા દિવસની રમતના અંતે ન્યુઝીલેન્ડના 82 ઓવરમાં 243 રન થયા હતા. બુમરાહને 3 વિકેટ મળી હતી.

ન્યુઝીલેન્ડે એક તબકકે 70 રનમાં પ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી હેનરી નિકોલ્સ અને ગ્લેન ફિલિપ્સે ભારતીય બોલિંગ લાઇનઅપનો મજબૂતીથી સમાનો કર્યોં હતો. બન્નેને નસીબનો પણ સાથ મળ્યો હતો. નિકોલ્સનો લોલીપોપ કેચ પડીક્કલે છોડયો હતો. જે ભારતને ઘણો મોંઘો પડયો હતો. જ્યારે ફિલિપ્સ વિવાદ બાદ ડીઆરએસ અપીલમાં એલબીડબ્લ્યૂ આઉટ થતાં બચી ગયો હતો. નિકોલ્સ-ફિલિપ્સ વચ્ચે છઠ્ઠી વિકેટમાં 322 દડામાં 173 રનની ભાગીદારી થઇ ચૂકી છે.

ભારતની શરૂઆત શાનદાર રહી હતી. બુમરાહ પહેલી ઓવરમાં જ ત્રાટકયો હતો અને કિવિઝિ કપ્તાન ટોમ લાથમ (0)ને બોલ્ડ કર્યો હતો જ્યારે ડવેન કોન્વે (4) અંશુલ કમ્બોજના દડામાં પંતને કેચ આપી આઉટ થયો હતો. રચિન રવીન્દ્ર (1પ)નો આકાશદીપે શિકાર કર્યો હતો. લંચની ઠીક પહેલા બુમરાહે ફરી ત્રાટકયો હતો અને મેટ હેનરી (1)ને પવેલિયન ભેગો કરી દીધો હતો. લંચ પછી બુમરાહે ટોમ બ્લંડેલ (પ)ને આઉટ કરી કિવિઝ ટીમને ભીંસમાં લાવી દીધી હતી. જો કે આ પછી નિકોલ્સ-ફિલિપ્સની જોડીએ કાઉન્ટર એટેક કરીને ટીમને ઉગારી લીધી હતી.

આ પહેલા ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. ભારતીય ઇલેવનમાં બે અનુભવી બોલર મોહમ્મદ સિરાજ અને રવીન્દ્ર જાડેજાને જગ્યા મળી ન હતી. આ નિર્ણય ઘણો ચોંકાવનારો બન્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક