સુરતથી
પોરબંદર વ્હેલ માછલીની ઉલટી વેંચવા આવતા ઝડપી લેવાયા
પોરબંદર,
તા.25: પોરબંદરમાં વહેલ માછલીની ઉલટી વહેચવા આવેલા અને ખરીદવા આવેલા બે શખસને પોલીસે
ઝડપી લીધા હતા. બંને આ જથ્થો ક્યાંથી લાવ્યા સહિતની પૂછપરછ પોલીસે હાથ ધરી છે.
પોરબંદરના
કમલાબાગ વિસ્તારમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ. આર.કે. કાંબરિયા તથા ટીમ પેટ્રાલિંગમાં
હતી. દરમિયાન એ.એસ.આઈ. યુ.કે.વરુ, એમ.કે. માવદિયા તથા હેડ કોન્સ્ટેબલ વી.ડી. પરમારને
બાતમી મળી હતી કે, એક સ્વીફ્ટ તથા રેનોલ્ટ કારમાં કેટલાક શખસ વહેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ)
વેચાણ કરવાના ઈરાદે સુરતથી પોરબંદર એસ.ટી.રોડ પર આવવાના છે. બાતમીના આધારે પોલીસે વોચ
ગોઠવી હતી. બંને કાર આવતા તેને અટકાવી હતી. સ્વીફ્ટ કારમાં જામકંડોરણાના મહેશ ઉર્ફે
કાળુ મનજીભાઈ બાલધા (ઉં.42), સુરતના બરબોધન ગામના રમેશ બાબુ વેકરિયા, સુરતના પરેશ વિઠ્ઠલભાઈ
પાઘડાળ, પોરબંદરના ચેતન કાનાભાઈ કેશવાલાને ઝડપી લીધા હતા. કાર ચેક કરતા અંદાજે રૂ.3,50,40,000ની
કિંમતનો 3 કિલો 540 ગ્રામ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ)નો જથ્થો મળી આવ્યો હતો.
મુદ્દામાલ બાબતે આરોપીઓની પૂછપરછ કરતા આ મુદ્દામાલ પરેશ વિઠ્ઠલભાઈ પાઘડાળ તથા મહેશ
ઉર્ફે કાળુ મનજીભાઈ બાલધા સુરતથી પોરબંદર રમેશ બાબુભાઈ વેકરિયાના કોન્ટેક્ટથી ખાતે
પોરબંદર ખાતે ચેતન કાનાભાઈ કેશવાલા તથા રાંતડી ગામના રાજુભાઈ કરશનભાઈ કેશવાલાને વેચાણ
કરવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) વેચવા માટે
આવેલા મહેશ ઉર્ફે કાળુ મનજીભાઈ બાલધા તથા પરેશ વિઠ્ઠલભાઈ પાઘડાળ પાસેથી મળી આવેલો મુદ્દામાલ
કબજે કરી બન્નેની અટક કરવામાં આવી છે. બાદમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસ દ્વારા શંકાસ્પદ વ્હેલ
માછલીની ઉલ્ટીના સાયન્ટીફીક એનાલીશીસ માટે મોકલી દેવાયો હતો. અભિપ્રાય આવ્યા બાદ કાયદા
મુજબ આગળની કાર્યવાહી થવા રિપોર્ટ સાથે મુદ્દામાલ તથા આરોપીઓ ફોરેસ્ટ વિભાગને સોંપી
દેવાયો છે.