• મંગળવાર, 25 જૂન, 2024

અમદાવાદમાં પોન્ઝી સ્કીમમાં નરોડાના 62 લાખની  છેતરાપિંડી કેસમાં નવા કાયદા હેઠળ પહેલો ગુનો નોંધાયો પોન્ઝી સ્કીમોમાં 1 લાખથી વધુ લોકોએ  રૂા.20 હજાર કરોડથી વધુ ગુમાવ્યા

અમદાવાદ, તા. 10: પોન્ઝી સ્કીમમાં પોતાની મહેનતની કમાણી ગુમાવી ચૂકેલા રોકાણકારોનાં હિતની રક્ષા કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પાંચ વર્ષ પહેલાં ઘડેલા ધ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ્સ-2019ના કાયદા હેઠળ સીઆઇડી ક્રાઇમે થોડા સમય અગાઉ નરોડામાં પોન્ઝી સ્કીમમાં પ્રથમ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આ કાયદા હેઠળ 7 વર્ષ સુધીની સજા અને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ ભરવાની જોગવાઈ છે.

પોન્ઝી સ્કીમમાં થાપણદારોનાં હિતનું ગુજરાત રક્ષણ (ફાઇનાન્સિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ, 2003 કાયદો ઘડવામાં આવ્યો હતો.) જેનો અમલ વર્ષ 2017માં ગુજરાત સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જીપીઆઇડી એક્ટના ગુના અને કેસો મૂકવામાં આવ્યા હતા. જોકે, કોર્ટનું ભારણ વધી જવાને લીધે ચાર માસ પહેલા અમદાવાદ જિલ્લાની કોર્ટમાંથી જે તે જિલ્લામાં આશરે 250થી વધુ કેસો ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં પોન્ઝી સ્કીમોમાં એક લાખથી વધુ લોકો ભોગ બન્યા હતા. જેમાં લોકોએ આશરે 20 હજાર કરોડથી વધુ ગુમાવ્યા હતા.

નવા કાયદામાં તમામ પ્રકારની અનરેગ્યુલેટેડ સ્કીમ પર રોક લગાવીને નાના ટેક્સપેયર્સને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત આ કાયદામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, જો તમે સંબંધી અને મિત્ર પાસેથી રોકડમાં લેવડ-દેવડ કરી હશે તો તે ગેરકાયદે છે. નવા કાયદામાં કેવી રીતની ડિપોઝિટ્સ પર પ્રતિબંધ છે અને કેવી રીતના ડિપોઝિટ્સ રેગ્યુલેટેડ છે અથવા સરકાર તરફથી નોટિફાઇડ છે તેને લઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. સ્પેશિયલ કોર્ટની રચના કરીને ત્યાં કેસ ચાલશે. સ્પેશિયલ કોર્ટ સંપત્તિ જપ્ત કરવા, તેનાથી હાંસલ રકમને જમાકર્તાઓ વચ્ચે વિતરણ કરાવવાની કાયદાકીય પ્રક્રિયા પણ પૂરી કરશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક