• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

ભાવનગરના ઓઇલમીલર સાથે રૂ.48 લાખની ઠગાઈ કરનાર ટ્રાન્સપોર્ટર સહિત ત્રણ શખસ સામે ગુનો નોંધાયો

ટેન્કર પલ્ટી ખાઈ ગયાનું જણાવી પાણી ભેળવી દીધું ’તું

ભાવનગર, તા.ર1 : મેઘાણી સર્કલ - રબર ફેક્ટરી રોડ પર આવેલ પ્લોટમાં રહેતા અને કુંભારવાડામાં વીઆઇપી પ્લોટમાં અબ્દુલ્લા મુસા નામથી પત્ની સાથે ભાગીદારીમાં ઓઇલ મિલ ધરાવતા અબ્દુલહમીદ અતાઉલ્લા તેલિયા નામના ઓઇલ મિલરે કચ્છ ગાંધીધામની કે. એસ. વી. રોડ લાઇન્સના માલિક આશિષ પાંડે તેમજ ટેન્કરચાલક વિકાસરામ સજીવન નિષાદ અને ઓમપ્રકાશ કિશનરામ વિરુદ્ધ રૂ.48 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો હતો.

આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં ફરિયાદી અબ્દુલહમીદ તેલિયા નામના ઓઇલમિલરને તામીલનાડુમાં આવેલી ગોલ્ડન રીફાઇનરી પ્રા.લી.એ 30 ટન સીંગતેલ મોકલવાનો ઓર્ડર આપ્યો હતો અને અગાઉ પણ આ પેઢી સાથે વ્યવહાર કર્યે હતો અને ગાંધીધામના ટ્રાન્સપોર્ટર આશિષ પાંડે સાથે રૂ.1.6ર લાખનું ભાડું નક્કી કર્યું હતું અને તા.ર9/પ ના ઓઇલ મીલમાંથી રૂ.47.89 લાખની કિંમતનું 30 ટન અને 10 કિલો સિંગતેલ ટેન્કરમાં ભરી ચાલક વિકાસ રામ સજીવન નિષાદ નીકળ્યો હતો અને બાદમાં વડોદરા પાસે ટેન્કર રીપેરિંગમાં મૂક્યું હોય એક લાખની રકમ મગાવી લીધી હતી.

બાદમાં તા.4/6ના મહારાષ્ટ્રના બીડ નજીક ટેન્કર પલટી ખાઈ જતાં તેલ ઢોળાઈ ગયાનું જણાવતા ઓઇલ મિલર અબ્દુલહમિદે તેના પિતરાઈ ભાઈને મોહમ્મદ સુલેમાન મહમદ આશિક હિંગોરાને તપાસ કરવા મોકલ્યો હતો અને તેણે પલટી ખાઈ ગયેલા ટેન્કરના ફોટા મોકલ્યા હતા અને પ00 કિલોથી ઓછું તેલ ઢોળાઈ ગયાનું જણાવ્યું હતું અને ઓઇલમીલર સાથે ઠગાઈ કરવામાં આવી હોવાનું જણાતા ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટ્રાન્સપોર્ટર સહિત ત્રણેયને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક